વડોદરામાં કોરોના ટેસ્ટ માટે 6 ખાનગી લેબમાં ધસારો આવેલા ડો. ટોપરાની લેબમાં 48 કલાકની પ્રતીક્ષા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 13:13:42
  • Views : 228
  • Modified Date : 2021-03-20 13:13:42

    વડોદરામાં કોરોનાના વધતા કેસોને સમાંતરે વડોદરાની ખાનગી લેબોરેટરીઓમાં પણ લોકોનો ટેસ્ટિંગ માટેનો ધસારો જબરદસ્ત રીતે વધી રહ્યાં છે. શહેરની લેબોરેટરીઓમાં જ 2000થી વધુ ટેસ્ટિંગ થઇ રહ્યાં હોવાનો અંદાજ મુકાય છે. એક લેબના રિપોર્ટ આપતા સ્ટાફે જ રોજના 80 ટકા કેસો પોઝિટિવ આવતા હોવાનું જણાવ્યું હતું. શહેરની જાણીતી ડો. ટોપરાણી લેબોરેટરીમાં જ 48 કલાકનુંં વેઇટિંગ ચાલે છે. જ્યારે અન્ય લેબમાં ધસારાને ખાળવા માટે ટોકન અને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શરૂ કરવામાં આવી છે. લોકો ભર બપોરે પણ કોરોના ટેસ્ટ કરાવવા લાઇનોમાં ઊભા રહે છે. દિવ્ય ભાસ્કરની ટીમોએ 4 લેબની ગુરુવાર અને શુક્રવારે મુલાકાત લઇ તાગ મેળવ્યો હતો. જો કે કોરોનાના ટેસ્ટ કે પોઝિટિવ કેસના આંકડા પૂછતા બધાની બોલતી બંધ થઇ ગઇ હતી.

​​​​​​​    કેટલાક વિસ્તારમાં તો લોકોના વિરોધને લીધે લેબોરેટરીએ સેન્ટર બંધ કરવાની પણ ફરજ પડી છે. રેસકોર્સ વિસ્તારમાં આવેલી ડો. ટોપરાણી લેબોરેટરીમાં સવારથી 7.30 વાગ્યાથી જ લોકોની ટેસ્ટિંગ માટે લાઇનો પડી જાય છે. આ વિશે ડો. એચટી ટોપરાણીએ જણાવ્યું કે, ‘હાલમાં અમે રોજના 150 જેટલા ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ. જેમાં બહારની ઇન્સ્ટિટ્યૂટમાંથી આવતા સેમ્પલોનો સમાવેશ થાય છે. ટેસ્ટિંગ વધુ થતા વેઇટિંગ વધ્યું છે. જોકે કેટલાક પોઝિટિવ આવે છે તે કહી શકાય તેમ નથી.’ ડો. ટોપરાણી લેબોરેટરીમાં અહીં એકથી બે વાગ્યાના ગાળામાં ધોમધમખતા તાપમાં 25થી વધુ લોકો કોરોના રિપોર્ટ માટે આવ્યાં હતા. જયાં ભર બપોરે લાઇનો પડી હતી.

    ​​​​​​​લોકો પોતાના નંબરની રાહ જોઇ રહ્યાં હતા. ત્યારે એક સિનિયર સિટિઝનને લાંબો સમય સુધી રાહ જોવાને લીધે ઘટના સ્થળે જ ચક્કર આવ્યા હતા અને જોતજોતામાં તેઓ ઢળી પડ્યાં હતા. આ બાબતે હાજર વ્યક્તિઓએ હોબાળો કર્યો હતો. આ ડ્રામા 15થી 20 મિનિટ સુધી ચાલ્યો હતો. જોકે સંચાલકોની દરમિયાનગીરીથી મામલો માંડ થાળે પડ્યો હતો. કોરોના ટેસ્ટ કરવા માટે લેબમાં આવતા લોકોની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે, જે રહેણાંક વિસ્તાર કે કોમ્પલેક્સમાં લેબોરેટરીની બ્રાન્ચ હોય છે. ત્યાં રીતસરનો લોકોએ વિરોધ કરવાનો શરૂ કર્યો છે. લોકોના આ ધસારાથી કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સનો લેબોરેટરીનો વિરોધ કરતા સંચાલકે આ બ્રાન્ચને બંધ કરવાની ફરજ પડી હતી.

    ટોપરાણી લેબોરેટરીની વેબસાઇટમાં પણ કોરોના ટેસ્ટિંગ માટે કેટલો ધસારો છે તેનો ખ્યાલ આવે છે. વેબસાઇટમાં જ લોકોનો ધસારો વધારે હોવાનો ઉલ્લેખ છે. ચાલુ બુકિંગની એપોઇન્ટમેન્ટના જ ટેસ્ટિંગ થશે અને કોઇએ બુકિંગ કર્યું હોય તો તેના બીજા દિવસે કોરોના ટેસ્ટ થશે તેવી સ્પષ્ટતા કરી છે. જ્યારે સ્થળ પર જતા ચોકીદાર જેવા સ્ટાફે તમારો નંબર 22મી માર્ચે આવશે તેવું જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News