કોરોના રસીકરણ નિષ્ફળ જવાની સંભાવના, કોરોનાના નવા સ્ટ્રેનમાં બદલાયા છે લક્ષણો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 13:47:53
  • Views : 474
  • Modified Date : 2021-04-09 13:47:53



    દેશભરમાં હાલ
 કોરોના વાયરસમાં આવેલા ડબલ પરિવર્તન ને કારણે સંક્રમણ વધ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આરોગ્ય વિભાગ નાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડબલ મ્યૂટેશનવાળા વાયરસના વેરિયન્ટનું એક સ્વરૂપ યુકેમાં ફેલાયેલા વાયરસના સ્ટ્રેનને મળતું આવે છે, જ્યારે બીજું સ્વરૂપ અમેરિકાના કેલિફોર્નિયામાં ફેલાયેલા વાયરસ પ્રકારનું હોઇ શકે. કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીન એટલે કે માનવકોષ સાથે જોડાવા માટે બનેલા એના પ્રોટીન બંધારણમાં આવેલા આ બદલાવને કારણે એ ખૂબ ઝડપથી ફેલાય છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય સરકારએ પણ હજુ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી અને એ વાત પણ સ્વીકારી નથી કે આ બન્ને કારણે ભારતમાં કોરોનાના કેસમાં આકાશી ઉછાળો આવ્યો છે, પરંતુ એનો અભ્યાસ ચાલી રહ્યો છે. હાલ સ્થિતિ એ છે કે સ્પાઇક પ્રોટીન બદલાયું હોવાથી માનવશરીરની રોગપ્રતિકારક શક્તિને કારણે બની રહેલા એન્ટિબોડીને થાપ આપવામાં આ પ્રોટીન સફળ રહે છે અને ખૂબ તેજ ગતિથી શરીરમાં ફેલાઈ જાય છે. આ કારણોસર ઘણીવાર દર્દીઓને તાવ પણ શરુઆતના તબક્કામાં આવતો નથી અને એનાં લક્ષણો બદલાય છે.

    હવે આ સ્થિતિમાં સ્પાઇક પ્રોટીન બદલાયું હોવાથી કોરોના સામેની રસીના પ્રોટીનના બંધારણમાં પણ બદલાવ લાવવા પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એ ચોક્કસપણે કહી શકાય નહીં કે હાલ જે રસી અપાઇ રહી છે એ નિષ્ફળ નીવડશે, પરંતુ જો આ બે વેરિયન્ટની ચોક્કસાઇ થઇ જાય તો રસીમાં પણ આવશ્યક ફેરફાર કરવા પડી શકે છે. જોકે એક આશાનું કિરણ એ છે કે યુકે સ્ટ્રેન આવ્યો હોવા છતાં બ્રિટિશ સરકારે રસીકરણ તેજ બનાવીને એની સામે લડતમાં સફળતા મેળવી છે. એ જ વ્યૂહ અપનાવીને ભારત પણ આગળ ચાલી શકે છે. રસીકરણ વાયરસને રોકવા માટેનું મોટું હથિયાર હોવાથી જેટલું બને એટલું મહત્તમ રસીકરણ થાય એ પણ જરૂરી છે.

    હાલમાં રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે એ જોતાં એનું સંક્રમણ એની ચરમસીમાએ પહોચ્યું હોવાની શક્યતા છે, જે આગામી દોઢ મહિનામાં કંટ્રોલમાં આવી શકે એવું લોકોનું અનુમાન છે. જોકે આ વાયરસ બધાં અનુમાનો ખોટાં પણ પાડી શકે છે. તેવો પણ નિષ્ણાંત તબીબોનો અભિપ્રાય છે. રીમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે લોકો લાઇનો લગાડી રહ્યા છે, પરંતુ લોકોએ જાણવાની જરૂર છે કે આ ઇન્જેક્શન કોરોનાના મધ્યમથી ગંભીર દર્દી કે જેઓ ઓક્સિજન પર છે તેમના માટે જરૂરી છે, તેમજ આ ઇન્જેક્શન જીવનરક્ષક નહિ, પણ હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટાડે છે, જેથી ડરના માર્યા દોડી જવું નહીં તેવું નિષ્ણાંત તબીબો જણાવે છે.

 

 

Download Our B K News Today App



Related News