કપાસ- યાર્ન, વ્હાઈટ સુગરની અછતને પૂરી કરવા ભારતમાંથી આયાત કરવા પ્રતિબંધ હટાવાયો, જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 દૂર કરતા નિયંત્રણો લાદ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 17:31:08
  • Views : 287
  • Modified Date : 2021-03-31 17:31:08

    પાકિસ્તાનની ઈકોનોમિક કોઓર્ડિનેશન કાઉન્સિલે ભારતમાંથી કપાસ,યાર્ન અને ખાંડની આયાત કરવા માટે મંજૂરી આપી છે. પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલય દ્વારા યોજવામાં આવેલી એક બેઠકમાં આ અંગેની દરખાસ્તને મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી.પાકિસ્તાનના કેબિનેટની ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટી (ECC)ની આજે બેઠક યોજાઈ હતી, જેમાં ભારત-પાકિસ્તાન વેપારને ફરી શરૂ કરવાના પ્રયત્નના ભાગરૂપે કપાસ તથા યાર્નની આયાત કરવા અંગે નિર્ણય લીધો હતો.

    પાકિસ્તાનના નાણાં પ્રધાન હામદ અઝહરે જણાવ્યું હતું કે ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટીએ ભારતમાંથી 0.5 મિલિયન ટન વ્હાઈટ સુગરની આયાત કરવા ખાનગી સેક્ટરને મંજૂરી આપી છે. આ ઉપરાંત અઝહરે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષના જૂન મહિનાથી ભારતમાંથી કપાસની આયાત કરવા પણ પરવાનગી આપવામાં આવશે.આ સમિતિએ વાણિજ્ય મંત્રાલય સમક્ષ બે બાબતોની રજૂઆત કરતા ભારતમાંથી કપાસ તથા કોટન યાન, અને વ્હાઈટ સુગરની આયાત પરના પ્રતિબંધને ઉઠાવી લેવા ભલામણ કરી હતી.

    જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવવામાં આવ્યો અને ઓગસ્ટ,2019માં તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાના ભારતના નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. જોકે મે,2020માં પાકિસ્તાને કોરોના મહામારીની સ્થિતિ વચ્ચે આવશ્યક દવાઓની અછતને પહોંચી વળવા માટે ભારતમાંથી દવાઓ અને કાચામાલની આયાત કરવાની મંજૂરી આપી હતી.

    ભારતમાંથી કપાસ તથા કોટન યાનની આયાત કરવાના પાકિસ્તાન સરકારના પગલાને કાપડ ઉદ્યોગો આવકાર્યું છે. પાકિસ્તાન ટેક્સટાઈલ એક્સપોર્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ ખુર્રમ મુખ્તારે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ભારતમાંથી કપાસ, યાર્ન અને ગ્રે કાપડની આયાત થવાથી માંગ અને પુરવઠાની સ્થિતિ વચ્ચે જે ખાઈ સર્જાઈ છે તે ભરપાઈ કરી શકાશે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનમાં કપાસની 12 મિલિયન ગાંસડીના અંદાજ સામે ફક્ત 7.7 મિલિયન ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ દર્શાવ્યો છે.

Download Our B K News Today App



Related News