પાલિતાણામાં ડોળી કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર, યાત્રિકો રઝળ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-10 17:41:41
  • Views : 48
  • Modified Date : 2025-03-10 17:41:41

જૈન શાશ્વત તીર્થ પાલિતાણામાં ડોળી કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જતાં યાત્રિકો રઝળી પડયાં હતા. છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં હડતાલના કારણે શેત્રુંજય પર્વત ઉપર ડોળીઓ બંધ રહી હોય તેવો પ્રથમ વખત કિસ્સો બન્યો છે.

જૈનતીર્થનગરી પાલિતાણામાં દર્શનાર્થે આવતા અશક્ત, વૃદ્ધો, બીમાર અને શારીરિક ખોડખાપણ ધરાવતા યાત્રિકો શેત્રુંજય તળેટીથી ડોળીના સહારે પર્વતની યાત્રા કરતા છે. ત્યારે યાત્રિકોને ડોળીની સુવિધા અવિરત મળી રહે તે માટે વર્ષમાં એક માત્ર ૧૪મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિની રજા રાખવામાં આવે છે. પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષમાં પ્રથમ વખત ડોળી કામદારોએ આજે તા.૯-૩ને રવિવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી છે. ડોળી કામદારોને અસામાજિક તત્ત્વની હેરાનગતિના કારણે હેરાન-પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી ડોળી લેબર યુનિયન ગ્રામ્ય-સિટી, પાલિતાણા દ્વારા ગત તા.૮-૩ના રોજ પાલિતાણા ડિવાયએસપી, પાલિતાણા ટાઉન પીઆઈને લેખિતમાં રજૂઆત કરી પ્રશ્નનું નિરાકરણ ન લાવવામાં આવે તો હડતાલ પર ઉતરી જવા જણાવાયું હતું. તેમ છતાં પોલીસે ઘટનાની ગંભીરતા ન લઈ મધ્યસ્થી કરવાની તસ્દી પણ લીધી ન હતી. જેના કારણે આજે રવિવારે ડોળી કામદારો, તેડાગર બહેનો અને સામાન ઉંચકનાર તમામ લોકો હડતાલ પર ઉતરી ગયા હતા. આ કારણે શેત્રુંજયની યાત્રાએ આવેલા યાત્રિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ડોળીના સહારે યાત્રા કરવા આવનારે જય તળેટીએ દર્શન કરી આગળની યાત્રા મોકૂફ રાખવાની નોબત આવી હતી. વધુમાં હડતાલના કારણે બાનમાં લેવાયેલા યાત્રિકોએ રોષ ઠાલવી સરકારે ખૂદ પોતાના હસ્તક વહીવટ લઈ લેવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. બીજી તરફ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ જારી રાખવા તેમજ ધરણાં પર બેઠવામાં આવશે તેવી ડોળી લેબર યુનિયનના પ્રમુખે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News