ગુજરાતભરમાં ડોક્ટર્સની હડતાળ : માગણીઓ પૂર્ણ ન થતાં 10 હજારથી વધુ તબીબો હવે લડી લેવાના મૂડમાં, હોસ્પિટલોમાં ઠેર-ઠેર દર્દીઓને હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-04 15:19:37
  • Views : 211
  • Modified Date : 2022-04-04 15:19:37

ગુજરાતભરમાં ડોક્ટર્સની હડતાળ:માગણીઓ પૂર્ણ ન થતાં 10 હજારથી વધુ તબીબો હવે લડી લેવાના મૂડમાં, હોસ્પિટલોમાં ઠેર-ઠેર દર્દીઓને હાલાકી

 

કોરોનાકાળ દરમિયાન રાત-દિવસ ફરજ બજાવનારા તબીબોની પડતર માગણીઓનો ઉકલ ન આવતાં રાજ્યના 10 હજારથી વધુ સરકારી તબીબો આજથી હડતાળ પર ઊતરી ગયા છે. ડોક્ટરો દ્વારા આજે તેમની પડતર માગણીઓને લઇને વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ડોક્ટરો દ્વારા જ્યાં સુધી તેમની માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ડોક્ટર દ્વારા અત્યારસુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી, પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી. આ વખતે ડોક્ટર પોતાના પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટરોની હડતાળને કારણે હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.

ડોક્ટરો સાથે આરોગ્યકર્મીઓ પણ જોડાયા
છેલ્લાં 3 વર્ષથી ડોક્ટરોના ગ્રેડ પેમાં સુધારો, ક્ષેત્રીય ફેરણી ભથ્થાની માગણી, કોરોના વોરિયર્સ તરીકે ગણતરી કરી ભથ્થા તથા જૂની પેન્શન યોજના લાગુ કરવી અને પ્રમોશન સહિતની માગણીઓ કરી રહ્યા છે. ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડોક્ટરો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે. ડોક્ટરો પોતાની માગણીઓ ઉકેલવાની માગ સાથે તેઓ આજે ફરજથી અળગા રહીને દિવસભર શાંતિપૂર્વક વિરોધ નોંધાવશે. બીજી તરફ આરોગ્યકર્મચારીઓની માગણીઓ કરી છે કે નર્સ, એફએચડબ્યુ, લેબ-ટેક્નિશિયન, સ્ટાફ નર્સ જેવા અલગ અલગ 7 વર્ગના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે આવ્યા છે. અગાઉ ત્રણ ત્રણ વખત રજૂઆત કરવા છતાં માગણીઓ સંતોષવામાં આવી નથી. ગ્રેડ પે વધારવો 1900ના જૂના ગ્રેડ પેને 2800 કરવો, જૂની પેન્શન યોજના લાગુ કરવી, પ્રમોશનો સહિતની માગણીઓનો આજદિન સુધી નિવેડો સરકાર દ્વારા લાવવામાં આવ્યો નથી.

અમદાવાદ સિવિલમાં 250થી વધુ સિનિયર ડોક્ટર હડતાળ પર
અમદાવાદમાં 250થી વધુ સિનિયર ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે. અમદાવાદ મેડિસિટી કેમ્પસમાં આવેલી હોસ્પિટલોમાં પણ અસર જોવા મળી છે. જેમાં ખાસ કરીને રોજ થતા ઓપરેશનમાં આજે ઘટાડો જોવા મળે છે પરંતુ ફરજ પર કોન્ટ્રાક્ટર હોય તેવા ડોક્ટરોના કારણ તેની આંશિક અસર જોવા મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ડોક્ટર્સ હડતાલ પર ઉતરતા તેની અસર જોવા મળી છે. હાલ કોન્ટ્રાક્ટર હોય તેવા તબીબો ઈમરજન્સી અને અન્ય જગ્યાએ કામ કરી રહ્યા છે. ઓપીડી પણ રાબેતા મુજબ ચાલુ છે તેની સાથે રોજ થતા ઓપરેશન થોડો ઘટાડો આવ્યો છે. આજે સાંજ સુધી કેટલા ઓપરેશન ઘટે તે જાણવા મળી શકે છે.

માગ પૂરી ન થતાં સુરતના ડોક્ટરોમાં ભારે રોષ
ડોક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે સુરતમાં 700થી વધુ તબીબો હડતાળ પર ઊતર્યા છે. NPAની માગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા એને પૂર્ણ કરવામાં આવી નથી. સમયસર જે એલાઉન્સ મળવા જોઈએ તે પણ આપવામાં આવતા નથી. ટીકુ કમિશનની પણ અમલવારી થવી જોઈએ, એનાથી પણ ડોક્ટરોને વંચિત રાખવામાં આવી રહ્યા છે. આશ્ચર્યજનક બાબત છે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા બાદ પણ એનો અમલ કરવામાં આવ્યો નથી, જેને કારણે ડોક્ટરોમાં ભારે રોષ છે. વર્ષોથી અમારી પેન્ડિંગ માગણી હોવા છતાં પણ સરકારે અમારી માગ પૂરી ન કરતાં આખરે અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.

વડોદરામાં હોસ્પિટલોની હાલત પેરાલિસિસ જેવી થઈ ગઈ
વડોદરા મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના 250 તબીબ પણ હડતાળમાં જોડાયા છે. તેઓ મેડિકલ કોલેજ ખાતે ભેગા થયા હતા અને દેખાવો કર્યા હતા. જો દર્દીઓનો ધસારો વધશે તો પરિસ્થિતિ ખરાબ થશે, એમ સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું. વડોદરા મેડિકલ ટીચર્સ એસોસિએશનના સેક્રેટરી બિજયસિંગ રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી પગાર, પેન્શન, સેવા સહિતના પ્રશ્નોનો નિકાલ ન આવતાં આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે. વડોદરા મેડિકલ ટીચર્સ એસોસિયેશનના 250 તબીબો હડતાળ પર ઊતરતાં સરકારી હોસ્પિટલોની હાલત પેરાલિસિસ જેવી થઇ ગઇ છે. સરકાર ઇન્ટર્નશિપ ડોક્ટરોના ભરોસે હોસ્પિટલ ચલાવી રહી છે. હવે જ્યાં સુધી લેખિતમાં અમારા પ્રશ્નોના નિરાકરણ માટેની ખાતરી નહીં આપે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

રાજકોટમાં હોસ્પિટલ કોન્ટ્રેક્ટ સિનિયર તબીબોના કારણે શરૂ
રાજકોટની સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લાની હોસ્પિટલ સહિત કુલ 330 જેટલા ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે આજરોજ સિનિયર ડોકટરો સિવાયના તબીબો ફરજ પર હાજર હોવાના કારણે ઈમર્જન્સી વિભાગ તેમજ ઓપીડી વિભાગ કાર્યરત છે. જ્યારે કે ઓપરેશન થિયેટર હાલ ખાલીખમ જોવા મળી રહ્યાં છે. સર્જિકલ સહિતના ઓપરેશન થિયેટરમાં માત્ર નર્સિંગ સ્ટાફ તેમજ રેસિડન્ટ તબીબોએ જોવા મળી રહ્યા છે, જ્યારે કે ઇએનટી ઓપરેશન થિયેટર હાલ રેસિડન્ટ તબીબને કોન્ટ્રેક્ટ પર રાખવામાં આવેલા સિનિયર તબીબોને કારણે શરૂ છે.

ગાંધીનગરમાં ડોક્ટર્સની સાથે આરોગ્ય કર્મચારીઓનો વિરોધ
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ડોક્ટર્સની સાથે આરોગ્યકર્મચારીઓનું પણ વિરોધપ્રદર્શન શરૂ થયું હતું. હડતાળ પર ઊતરેલા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે અમારી વાજબી માગણીઓ હોવા છતાં હલ થઇ નથી. આ હડતાળમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકટર અચોક્ક્સ મુદતની હડતાળ પર ઊતર્યા છે.

 

Download Our B K News Today App



Related News