વાઘોડિયાના લીમડા ગામે શ્રીજી રેસિડેન્સી સાઈટના ભાગીદારો વચ્ચે વિવાદ : 59.22 લાખની ઠગાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-30 16:20:27
  • Views : 58
  • Modified Date : 2025-05-30 16:20:27

વાઘોડિયા તાલુકાના લીમડા ગામની સીમમાં શ્રીજી રેસિડેન્સી કોમ્પ્લેક્સ નામની સાઈટના ભાગીદારો વચ્ચે પૈસા બાબતે ઝઘડો થતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જમીનના માલિકે રૂ.59.22 લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં નંદીગ્રામ સોસાયટીમાં રહેતા ઝેનીશ ફોગટભાઈ પટેલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વજેસીંહ શંકરભાઈ પરમાર (રહે.લીમડા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે શ્રીજી બીજ કંપની નામની જંતુનાશક દવાઓની દુકાન ચલાવું છું. મારા પિતાએ તેમના મિત્ર શૈલેષ બારિયા સાથે મળી ભાગીદારીમાં લીમડા ગામમાં રહેતા વજેસીંહ પરમાર સાથે તેમની જમીન પર ડેપલોપમેન્ટ કરાર કરી બાંધકામનું નક્કી કર્યું હતું.
વજેસીંહની 23 હજાર ચો.ફુ. જમીન પર શ્રીજી રેસિડેન્સી નામની ભાગીદારી પેઢી ચાલુ કરી સ્કિમ બનાવવા માટે વાઘોડિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં સમજૂતી કરાર કર્યો હતો. આ કરાર મુજબ વજેસીંહને જમીનની રકમ રૂ.2.30 કરોડ આપવાનું નક્કી કરાયું હતું. 
બાંધકામ બાદ કોમ્પ્લેક્સની કેટલીક રૂમો ભાડે આપી હતી જેનું ભાડું ભાગીદારી પેઢીમાં જમા થતું હતું. જમીન તેમજ અન્ય આવક પેટે વજેસીંહને કુલ રૂ.2.50 કરોડ ચૂકવી દીધા બાદ તેમણે પેઢીના નામે દસ્તાવેજ કરવાનું કહેતા તેઓ કરી આપીશ તેમ કહ્યા બાદ ભાડૂઆતો પાસેથી બારોબાર રૂપિયા ઉઘરાવી પોતાના ખાતામાં જમા કરાવી દેતા હતાં. વજેસીંહે કુલ ઉઘરાવેલી ભાડાની રકમ પૈકી રૂ.59.22 લાખ ભાગીદારોને તેમના હિસ્સાની ચૂકવી ન હતી.

Download Our B K News Today App



Related News