ડીસા એરપોર્ટ એરફોર્સને સોંપાતા લોકોમાં રોષ પેસેંજર સેવા શરૂ કરવા લોકોની માંગ

  • Published By :
  • Published Date : 2022-09-29 16:06:05
  • Views : 352
  • Modified Date : 2022-09-29 16:07:06

બ્રિટીશ રાજ એટલે કે ૧૯૪૬ માં આકાર પામેલું ડીસા એરપોર્ટ એ જે-તે વખતના પશ્ચિમ ભારતના મધ્યકેન્દ્ર બિંદુ સમાન હતું. ત્યારે આ એરપોર્ટ તૈયાર થયું ત્યારે પાકિસ્તાનનું અસ્તિત્વ જ ન હતું. તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા બે રાજ્યો પણ ન હતા. જેના કારણે ડીસા એરપોર્ટનું મહત્ત્વ એ દિવસોમાં પણ ખુબ હતું. પરંતુ આઝાદી પછી ભારત પાકિસ્તાનના ભાગલા પાડતા પાકિસ્તાનની ગુજરાત સરહદ નજીક ડીસા એરપોર્ટ આવતા આ એરપોર્ટનું મહત્ત્વ પહેલા કરતા પણ વધી જાવ પામ્યું હતું. અંદાજીત ૩૧ હેક્ટર એટલે કે ૧ર૦ વિઘાથી વધુ જમીન ઉપર બનેલા આ  એરપોર્ટનો જે-તે સમયે મોટાભાગે પાલનપુર નવાબના મિત્ર રાજ્યો જેવા કે બિકાનેર, અમૃતસર, કાશ્મીર, બરોડા,જયપુર, મુંબઈના રાજવીઓ વાર તહેવારે અવારનવાર ડીસા એરસ્ટ્રીપનો ઉપયોગ કરતા હતા. જોકે, એરપોર્ટના નિર્માણ સમય દરમિયાન એટલે કે, ૧૯૪૬ માં અંબિકા એરલાઈન્સ નામની કંપનીએ આ એરપોર્ટ ઉપર પોતાની પ્રથમ વિમાની સેવા શરૂ કરી હતી. જેમાં અમૃતસર, બિકાનેર, ભાવનગર અને મુંબઈની વિમાની સેવાઓ વાયા ડીસા શહેરમાં થવા પામી હતી. પરંતુ કોઈ કારણોસર ખુબ જ ટુંકા સમયગાળામાં આ એરલાઈન્સે પોતાની કામગીરી સ્થગીત કરી દીધી હતી. અંબિકા એરલાઈન્સથી શરૂ થયેલી સેવાનો લાભ ડીસાના ફર્સ્ટ ફેમીલી ગણાતા નગરશેઠ એવા લચ્છાજી હિન્દુજી માળી અને તેમના પરીવારે લગભગ દરરોજની પોતાની બેે સીટ એમ ડીસા-મુંબઈ વાયા ભાવનગર-વડોદરા એરલાઈન્સનો લાભ લીધો હતો. ત્યારબાદ આઝાદી પછી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ ૧૯૬૪માં પણ પાકિસ્તાન સરહદ ઉપર જવા માટે આ એરસ્ટ્રીપનો ઉપયોગી કર્યો હતો. સમયાંતરે ડીસા એરપોર્ટ એ એરસ્ટ્રીપ ન રહેતા રાજકીય ઉપયોગ માટે હોય તેમ વધુ ઉપયોગ શરૂ થવા પામ્યો હતો.બ્રિટીશ રાજમાં આકાર પામેલ ડીસા એરપોર્ટ એ સરકારી ભાષામાં એરસ્ટ્રીપ જ કહેવાય અને આ એરસ્ટ્રીપનો મહ્દ ઉપયોગ તાત્કાલીક ઉભી થતી જરૂરીયાતમાં વધુ પડતો થાય તે માટે જ આ બનાવવામાં આવેલ છે. પરંતુ બનાસકાંઠાના તત્કાલીન સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્વ.બી.કે. ગઢવીએ આ એરસ્ટ્રીપને એરપોર્ટમાં ફેરબદલ કરાવી નાની અને ટુંકાગાળાની પ્રવાસીય ઉડ્ડયન શરૂ થાય તેવી દિશામાં સફળ થવાય તેવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ ત્યારબાદ જીલ્લાની સ્થાનિક નેતાગીરીમાં કસ જ ન રહેતા ડીસાનું એરપોર્ટ કહો કે એરસ્ટ્રીપ ત્યારબાદ નધણીયાતું બની જવા પામ્યું હતું. આ સમયગાળામાં ડીસા તાલુકાના નાણી ગામે 1200 એકર જમીન એરફોર્સ ને ફાળવવામાં આવી હતી.જોકે આજ સુધી તેનો કોઈ વિકાસ થયો નથી.ત્યારે હવે નાણી એરફોર્સ અને ડીસા એરપોર્ટ બન્ને ભારતીય વાયુ દલને સોંપી દેવાયાચે અને રૂ.1000 હજાર કરોડના ખર્ચે તેના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી શુક્રવારે અંબાજીથી કરશે.જેથી આ  ડીસા એરપોર્ટ પર પેસેન્જર વિમાનોની એર કનેક્ટિવિટી બંધ થઈ જશે તેવી દહેશત છે.ત્યારે અહીં પેસેન્જર વિમાન શરૂ થાય તે માટે જિલ્લાના અગ્રણીઓ માંગ કરી રહયા છે. જો ડીસામાં પેસેન્જર વિમાનોની સેવા શરૂ થાય તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન ની પ્રજાને લાભ મળે તેમ છે તેમ જ ડીસાના બટાટા ઉદ્યોગ અને મેડિકલ ક્ષેત્ર ને પણ ખૂબ જ વેગ મળે તેમ છે.

Download Our B K News Today App



Related News