દીપડાએ અચાનક હુમલો કરીને આઠ લોકોને ઘાયલ કરતા લોકો રાતભર જાગતા રહ્યા દૈયપમાં આવેલો દીપડો રાજસ્થાન ગયો છતાં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 11:19:35
  • Views : 354
  • Modified Date : 2020-08-29 11:19:35

ગુજરાત-રાજસ્થાનના સરહદી વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી હિંસક બનેલો દીપડો આતંક મચાવી રહ્યો છે. અત્યાર સુધી આઠ લોકો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ૧૦ થી વધુ ગામના લોકો ડરમાં જીવી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગે દીપડાને
પકડવા માટે કરેલા પ્રયાસ નિષ્ફળ ગયા હતા. દરમિયાન દીપડો રાજસ્થાન તરફ ગયો હોવાનું વન વિભાગે અનુમાન કર્યું છે છતાં દૈયપ ગામમાં હજુ
પણ લોકોમાં ફફડાટ પ્રસરેલો છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી હિંસક બનેલો દીપડો આતંક મચાવી રહ્યો છે.  જેને પકડવા માટે સ્થાનિક ગ્રામજનો અને વન વિભાગની ટીમ દિનરાત પ્રયાસ કરી રહી છે તેમ છતાં પણ દીપડો તમામને હાથતાળી આપી છટકી રહ્યો છે. સૌપ્રથમ ૨૧ ઓગસ્ટના રોજ મોડી રાત્રે વાવ તાલુકાના રિલુચી ગામે દીપડો દેખાયો હતો. તે જ સમયે સ્થાનિક ગ્રામજનોએ દીપડાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા બીજા દિવસે વહેલી સવારથી જ ફોરેસ્ટ વિભાગની ટીમો
દીપડાને શોધવા માટે કામે લાગી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો
પણ ફોરેસ્ટ વિભાગને મદદ કરવા માટે જોડાઈ ગયા હતા.
પરંતુ આ તમામ લોકોના હાથમાંથી છટકી જઇ દીપડો ખેતરોમાં ઉભા પાકમાં સંતાઈ જતો હતો. એવા સમયે આ
દીપડાથી અજાણ ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં કામ કરવા માટે કે ઘાસચારો લેવા માટે ગયા તેવામાં જ જાણે શિકારની શોધમાં બેઠેલો દીપડો આવા ખેડૂતો પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતો હતો.
અત્યાર સુધી આઠ જેટલા લોકો પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. જોકે હજુ સુધી દીપડાએ કોઈપણ પશુનું મારણ કર્યું નથી. તેમજ તેના હુમલામાં કોઈ વ્યક્તિનું મોત
પણ થયું નથી તેમ છતાં સાત દિવસ સુધી દીપડો ના પકડાતા વાવ તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખે ફોરેસ્ટ વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને ફોરેસ્ટ વિભાગ નિષ્ફળતાના કારણે જ દીપડો
પકડાયો નથી તેમ જણાવ્યું હતું.
બીજી તરફ સતત દીપડાના પગલે-પગલે વન વિભાગની ટીમો અને ગ્રામજનો તેને
પકડવા માટે પાછળ પાછળ દોડી રહ્યા છે. પરંતુ દીપડો છે કે હજુ સુધી કોઈના હાથે ચડ્યો નથી. ત્યારે ગુરુવારે પણ વહેલી સવારે દૈયપ ગામની સીમમાં દીપડો દેખાતા જ લોકો અને ફોરેસ્ટ વિભાગની અલગ અલગ ૬ તાલુકાની ટીમો અને એસ.આર.પી.ની ટીમો પણ આવી ગઈ હતી. જોકે દીપડાનો પીછો કરતા કરતા હવે તે  રાજસ્થાનમાં જતો રહ્યો હોવાના પગલાં જોવા મળ્યા હોવાનું આર.એફ.ઓ. એ જણાવ્યુ છે. પરંતુ આ વખતે સતત સાત દિવસ સુધી દીપડો ન પકડાતા અને આઠથી વધુ લોકોને ઇજા
પહોંચાડતા આજુબાજુના ગ્રામજનો ભયભીત બન્યા છે. દિવસે તો ઠીક પરંતુ રાત્રે પણ તાપણા કરીને પોતાના જાનમાલની તેમજ પશુઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગે તો દીપડો રાજસ્થાન જતો રહ્યો હોવાનું જણાવી હાશકારો અનુભવ્યો છે. પરંતુ અહીંના લોકો હજુ પણ દહેશતમાં છે અને જ્યાં સુધી દીપડો નહીં પકડાય ત્યાં સુધી તેમનો આ ભય દૂર નહી થાય તેમ માની રહ્યા છે.

Download Our B K News Today App



Related News