દિલ્હીમાં પાંચ કરોડના કોકેઇન સાથે અમેરિકી અને નાઇજેરિયન પકડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-06 13:05:41
  • Views : 454
  • Modified Date : 2019-09-06 13:05:41

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ પાટનગરમાં યોજાતા રહેતા જલસાના કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાનારા પાંચ કરોડ રૂપિયાના કોકેઇન સાથે ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના સંચાલકો એવા એક અમેરિકી અને એક નાઇજેરિયન એમ બે જણને અટકાયતમાં લીધા છે. એન્ટિ નાર્કોટિક્સ એજન્સીએ છેલ્લા કેટલાક દિવસોમાં કુલ 4.2 કિલોગ્રામ કોકેઇન જપ્ત કર્યું છે. અમેરિકી નાગરિકને મોહિપાલપુર વિસ્તારસ્થિત એક હોટલમાંથી ઝડપી લેવાયો હતો. એણે જ આ ગેરકાયદે કૃત્યમાં સંડોવાયેલા નાઇજિરિયન નાગરિકની માહિતી આપી હતી. અમેરિકી નાગરિકે કહ્યું કે એને એકવાડોર દેશમાંથી મોકલવામાં આવેલું કોકેઇનનું એક પાર્સલ મળ્યું હતું. જે એણે એક દિલ્હીવાસીને પહોંચાડવાનું હતું કે જે દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં યોજાનારા જલસાના કાર્યક્રમોમાં એ પાર્સલ પહોંચાડવાનો હતો. કોકેઇનના આ જથ્થાની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયા છે. અમેરિકી તથા નાઇજેરિયનને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટની જોગવાઇઓ અંતર્ગત અટક કરાયા છે. અગાઉ પણ આવા કાળા કામ કરી ચૂકેલા અમેરિકી નાગરિકે એ માટે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ સહિત કેટલાક દેશોનો પ્રવાસ કર્યો હતો. અમેરિકી નાગરિક ઘરવિહોણાઓ માટે અમેરિકાના ઓહિયો ખાતે હાર્ડવે નામનું ફાઉન્ડેશન સ્થાપવા માગતો હતો. એ માટે ભંડોળ એકત્રિત કરવાના બહાને એ પ્રવાસ કરતો રહેતો હતો. મૂળભૂતપણે મોટા ભાગે દક્ષિણ અમેરિકાના દેશોમાંથી આવતો કોકેઇનનો જથ્થો, બેગ અથવા માલસામાનમાં સંતાડીને અથવા દાણચોરો દ્વારા એને ગળી જઇને વિશ્વના અન્ય ભાગોમાં પહોંચાડાતું રહ્યું છે. દક્ષિણ અમેરિકામાં સ્થાપિત આવી કોકેઇન સિન્ડિકેટ કોકેઇનને ભારતમાં પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહે છે. ભારત એમના માટે એક બજારથી વિશેષ દૂરના અન્ય દેશોમાં નશીલો પદાર્થ પહોંચતો કરવાનું એક કડીરૂપ સ્થળ છે. એમ નાર્કોટિક્સ કંટ્રોલ્સ બ્યુરોના નાયબ મહાનિર્દેશક (ઉત્તર વિભાગ) એસ.કે. ઝાએ જણાવ્યું.

Download Our B K News Today App



Related News