મુંબઈથી સુરત શિફ્ટ થઈ રહેલા હીરા ઉદ્યોગથી સુરતની ચમક વધુ તેજ બનશે, કોરોનાકાળમાં જ 70 કંપની કારોબાર સમેટી પરત ફરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 15:10:01
  • Views : 549
  • Modified Date : 2020-09-25 15:10:01

      ગુજરાતનું આર્થિક પાટનગર સુરત દરેક વિકટ પરિસ્થિતિમાં અડીખમ ઉભું રહેતું આવ્યું છે. કોરોનાના કારણે આજે દેશ જ નહીં પણ વિશ્વભરમાં આર્થિક મંદીના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે આ કાળ સુરતના વિકાસ માટે ઉજળી તકો સમાન અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે. સુરતમાં બની રહેલા ડાયમંડ બુર્સના કારણે મુંબઈથી ધીરે ધીરે હીરા ઉદ્યોગ સુરત શિફ્ટ થઈ રહ્યો છે. હીરા ઉદ્યોગના કારણે સુરતમાં રોજગારીની નવી તકો ઉભી થવાની સાથે જ આ હીરા ઉદ્યોગનું શિફ્ટીંગ રિઅલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોને ફળશે એવા આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે.

હીરાનું એક્સપોર્ટ પણ સુરતથી થશે
દુનિયામાં તૈયાર થતા 10 પૈકી 8 હીરા ભલે સુરતમાં તૈયાર થતા હોય પણ હીરાના એક્સપોર્ટથી માંડીને તમામ કારોબાર અત્યાર સુધી મુંબઈથી જ થતો આવ્યો છે. સુરતમાં આવેલી મોટાભાગની ડાયમંડ કંપનીઓની કોર્પોરેટ હાઉસ મુંબઈમાં આવેલા છે. જો કે હવે વાયરો પલટાયો છે સુરત ખાતે જ અદ્યતન સુરત ડાયમંડ બુર્સના નિર્માણ સાથે સુરત એરપોર્ટને મળેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના દરજ્જાને કારણે હવે ડાયમંડ કંપનીઓ મુંબઈથી કારોબાર સંકેલીને સુરતમાં સ્થાયી થઈ રહી છે. સુરત ડાયમંડ બુર્સના નિર્માણને પૂર્ણ થતાં હજી બે વર્ષ લાગશે. પરંતુ કોરોના કાળમાં ઉદભવેલા સંજોગોથી ડાયમંડ કંપનીઓના સ્થાનાંતરને બે વર્ષ પહેલાં જ શરૂ કરી દીધો છે. કોરોના કાળમાં અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગની 70 જેટલી કંપનીઓ પોતાના કારોબાર સંપૂર્ણ રીતે સંકેલીને સુરત આવી ગઈ અને આ જ સિલસિલો યથાવત છે ત્યારે 2022 સુધીમાં 80 ટકા ડાયમંડ ઉદ્યોગ મુંબઈથી શિફ્ટ થઈ સુરત આવી જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

મુંબઈથી કારોબાર સંકેલી સુરત લાવ્યા
મુંબઈથી પોતાનો વ્યવસાય સંકેલી સુરત વ્યવસાય શિફ્ટ કરનારા હીરા ઉદ્યયોગપતિ અને HVK ડાયમંડના માલિક નાગજીભાઈ સાકરીયા જણાવે છે કે, 2022 સુધી મુંબઈથી 60 ટકા જેટલો હીરા ઉદ્યોગ સુરત આવી જશે, જ્યારે ઉદ્યોગનું સ્થાનાંતર થશે તેનો ફાયદો સુરતમાં અન્ય ક્ષેત્રોને પણ થશે રોજગારીની નવી તકો સર્જાશે, તો મુંબઈમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સુરત તરફ આવશે એટલે રહેવા માટે મકાનોની ડિમાન્ડ ઊભી થશે તેનો સીધો ફાયદો રિઅલ એસ્ટેટ બિઝનેસને મળશે કારણ કે સ્થાનાંતરની શરૂઆત થઈ છે અને લોકો અત્યારથી ઘર શોધવા લાગ્યા છે.

દિવાળી પછી વધુ યુનિટ સુરત આવે તેવી શક્યતા
હીરા ઉદ્યોગપતિ નરેશભાઈ લૂખીએ જણાવ્યું હતું કે, માત્ર હીરા કંપનીઓની ઓફિસો જ નહિ પણ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલા યુનિટો પણ સુરતમાં સ્થાનાંતરિત થવાનાં શરૂ થઇ ગયા છે. ટૂંકા ગાળામાં 70 જેટલી ડાયમંડ કંપનીઓ સુરતમાં સ્થાનાંતરિત થઈ ગઈ છે અને દિવાળી સુધી આ સંખ્યા બમણી થઈ જશે. ત્યારે આનો ચોક્કસ જ લાભ સુરત શહેરને અને ખાસ કરીને રિઅલ એસ્ટેટ ક્ષેત્રને થશે કારણ કે ઉદ્યોગ સાથે કારીગરો અને અન્ય સ્ટાફ પણ માઈગ્રેટ થતા તેમને રહેવા માટે ઘરની જરૂરિયાત ઊભી થશે.

મુંબઈથી આવનારા વરાછાની પસંદગી કરી શકે છે
મીની સૌરાષ્ટ્ર કહેવાતા વરાછા-મોટાવરાછા મુંબઈથી આવનારાની પહેલી પસંદ બની શકે છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં સૌથી મોટી વસતિ સૌરાષ્ટ્રના લોકોની છે. માલિકોથી માંડીને ઓફિસ સ્ટાફ અને કારીગરો અને કારીગરો હીરા દલાલો મોટેભાગે સૌરાષ્ટ્રના છે. જેથી મુંબઈથી આવનારા લોકો પણ આ વિસ્તારમાં વસે તે માટે અત્યારથી જ બિલ્ડરો દ્વારા પણ એ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે.

મુંબઈ જેવી ફેસિલિટી આપવા રીયલ એસ્ટેટ તૈયાર
મુંબઈથી હીરા ઉદ્યોગનું સુરત તરફ થઈ રહેલા સ્થળાંતરથી રિઅલ એસ્ટેટ ક્ષેત્રને ફાયદો થનારો છે ત્યારે વરાછા વિસ્તારમાં બાંધકામ સાથે સંકળાયેલા વિક્ટોરિયા ગ્રુપના જયંતીભાઈ મધુભાઈ ગૌદાનીએ જણાવ્યું હતું કે, હીરા બુર્સના કારણે મુંબઈથી હીરા ઉદ્યોગનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે અને ફ્લેટ્સ તથા દુકાનો માટેની ઇન્કવાયારી પણ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને વરાછા, મોટાવરાછા - ઉતરાણ અને સરથાણા જકાતનાકા અને યોગીચોક વિસ્તારો પર લોકો વધુ પસંદગી ઉતારી રહ્યા છે. અમારો પણ એ જ પ્રયાસ છે જે સ્થળાંતરિત થનારા લોકોને મુંબઈમાં જ તેઓ રહી રહ્યા છે તેવી જ અનુભૂતિ થાય તેવી તમામ સુવિધાઓ મળી રહે. આ માટે હવે હાઈ રાઇઝ એપાર્ટમેન્ટ સાથે જ તમામ પ્રકારની કોમન ફેસિલિટી પર વધુ જોર આપવામાં આવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News