ડીસામાં નાયબ કલેક્ટરની સૂચના બાદ પણ રખડતા ઢોરોની સ્થિતિ જેસે થે વેસે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 11:17:56
  • Views : 584
  • Modified Date : 2019-09-15 11:17:56

ત્રીસ લાખથી વધુની વસ્તી ધરાવતો બનાસકાંઠા જિલ્લો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો  છે.  તે ટ્રાફિકની સમસ્યા હોય, રસ્તાની સમસ્યા હોય કે પછી રખડતા પશુઓની. વહીવટી તંત્ર ગમે તેટલા પ્રયાસો  કરે
પરંતુ બનાસકાંઠાને સમસ્યા મુક્ત બનાવવામાં આજસુધી સફળ થયું નથી.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓની સમસ્યા નગરજનો માટે માથાના દુઃખાવા સમાન સમસ્યા બની ગઈ છે. શહેરોમાં રખડતા પશુઓની સમસ્યા એ આજની સમસ્યા નથી. આ સમસ્યા ઘણા સમયથી છે. શહેરોમાં રખડતા પશુઓના લીધે સમસ્યા ખુબ જ પેચીદી બની ગઈ છે. આ પશુઓના લીધે સર્જાઈ રહેલા અકસ્માતોમાં ઘણીવાર નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. ડીસામાં હાલ એક પણ માર્ગ એવો નહીં હોય કે ત્યાંથી પસાર થતાં બાળકો મહિલાઓ
કે કોઈપણ વ્યક્તિ પશુઓની સમસ્યાથી પીડાતા ન હોય. શહેરના નાના મોટા માર્ગની વાત તો દૂર રહી પણ શહેરના મુખ્ય માર્ગો પર એક-બે નહીં પરંતુ  બસ્સો બસ્સો, ત્રણસો ત્રણસો પશુઓના ટોળા એક સાથે અડીંગો જમાવીને બેઠાં હોય છે અને આ માર્ગ પરથી સાંજના સમયે નીકળવું પણ વહાનચાલકો અને રાહદરીઓ એ માટે મુશ્કેલી ભર્યુ થઈ જાય છે. ખાસ કરીને મહિલાઓ અને શાળાએ જતા બાળકો ડરી ડરીને માર્ગ પરથી પસાર થતા હોય છે.
રખડતા ઢોરોની સમસ્યાથી પીડાતા શહેરીજનોને મુક્ત કરવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પંદર દિવસ અગાઉ જાહેરનામું બહાર પાડયું હતું અને નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીને સાત દિવસમાં જ આ સમસ્યાથી લોકોને કઈ રીતે મુક્ત કરવા તે માટે એક્શન પ્લાન ઘડવા માટે હુકમ કરાયો હતો. પરંતુ આ વાતને પણ પંદર દિવસ જેટલો સમય વીતવા છતાં પણ હજુ સુધી જિલ્લાનો એક પણ માર્ગ રખડતા ઢોરોની સમસ્યાથી મુક્ત થયો નથી. તેવામાં ડીસા ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં નગરપાલિકાના સત્તાધીશો સાથે એક બેઠક યોજાઇ હતી અને તેમાં રખડતા ઢોરોની સમસ્યાથી શહેરીજનોને મુક્ત કરવા માટે નિર્ણય લેવાયો હતો. પરંતુ બેઠક બાદ પણ લોકોને રખડતા ઢોરોની સમસ્યાથી કઈ રીતે મુક્ત કરવા તે અંગે તંત્ર કઈ પણ વિચારી શક્યું નથી.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યા ખુબજ વધી ગઈ છે.  તેના માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી આ સમસ્યાથી લોકોને મુક્ત કરવા માટે હુકમ કર્યો હતો. પરંતુ તે હુકમને પણ નગરપાલિકા અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઘોળીને પી ગયા છે. હજુ સુધી એક પણ માર્ગને રખડતા ઢોરની સમસ્યાથી મુક્ત કરાવી શક્યા નથી. ત્યારે હવે રખડતા ઢોરોની સમસ્યાથી બનાસવાસીઓ ક્યારે મુક્ત થશે તે જોવું રહ્યુ.

Download Our B K News Today App



Related News