ગાંધીનગરમાં સાર્વત્રિક વરસાદ ઃ ઠેર ઠેર પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-24 12:18:19
  • Views : 356
  • Modified Date : 2020-08-24 12:18:19

ગાંધીનગર જિલ્લામાં શનિવારની રાતથી સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. મધ્ય પ્રદેશમાં સર્જાયેલી અપર સરકર્યુલેસન સિસ્ટમના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડેલાં ભારે વરસાદમાં ગાંધીનગરમાં પણ મેઘ મહેર રહી હતી. ગઈ રાતથી બપોર સુધી એકધારા
પડેલાં વરસાદનાં કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા સાથે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. ગાંધીનગર જિલ્લામાં આજે સરેરાશ ૧૩ ઈંચ એટલે કે, ૩૨૩ મીમી વરસાદ નોંધાયો છે.
ગાંધીનગરમાં ૬ ઓગષ્ટ સુધી વરસાદ ઘણો ઓછો
પડતાં ખેડૂતો સહિત સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા.
પરંતુ છેલ્લાં ૧૫ દિવસમાં જ ૪૦ ટકા જેટલો સારો વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લામાં શનિવાર રાતથી ત્રીજી વખત ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં  સવારથી બપોર સુધી એકધારો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક સાથે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. ગાંધીનગરમાં  સાંજ સુધીમાં ૬૫ મીમી, કલોલમાં ૯૪ મીમી, દહેગામમાં ૪૩ મીમી અને માણસામાં સૌથી વધારે ૧૨૧ મીમી વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં સતત વરસાદનાં કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે ગત રવિવાર રજાનો દિવસ હોવાથી લોકોને હાલાકી ઓછી પડી હતી.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં ૧૫ દિવસમાં પડેલાં ધોધમાર વરસાદનાં કારણે સીઝનનો સરેરાશ વરસાદ ૮૫ ટકા જેટલો થઈ ગયો છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૨૨.૨૫ મીમી એટલે કે, ૨૮. ૮૯ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૮૧૦ મીમી એટલે કે, ૩૨ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લામાં જુલાઇ મહિનાનાં અંત સુધીમાં જોઈએ તેવો વરસાદ નહીં વરસતા ચિંતા પ્રસરી જવા પામી હતી. પરંતુ ઓગસ્ટનાં પ્રથમ અઠવાડિયા પછી અત્યાર સુધીમાં ત્રણ વખતમાં ૪૦ ટકા કરતાં વધારે વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ વરસાદ ૨૮૮૯ મીમી એટલે કે, સરેરાશ ૭૨૨.૨૫ મીમી અથવા ૨૮. ૮૯ ઈંચ નોંધાયો છે. જેમાં ગાંધીનગર તાલુકામાં સૌથી ઓછો ૬૫૫ મીમી તેમજ કલોલમાં ૬૬૧ મીમી વરસાદ નોંધાયો છે. માણસા તાલુકામાં વરસાદ વધીને હવે ૭૬૩ મીમી થઈ ગયો છે. જ્યારે દહેગામ તાલુકામાં સૌથી વધારે ૮૧૦ મીમી વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લામાં આજે દિવસ દરમિયાન સરેરાશ ૩૨૩ મીમી વરસાદ નોંધાયો હતો.

Download Our B K News Today App



Related News