દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ પહેલા જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું, દર્શન સમયે ભક્તોને પગ મૂકવાની જગ્યા ખૂટી પડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-16 16:23:56
  • Views : 187
  • Modified Date : 2022-03-16 16:23:56

     દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિઓ દ્વારકા ખાતે પહોંચી રહ્યા છે. દ્વારકાની બજારોમાં તેમજ દ્વારકાધીશના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેને લઈ તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ફુલડોલ ઉત્સવ માટે 1200 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવશે. ત્યારે દ્વારકાધીશની આરતી સમયે ભગવાન દ્વારકાધીશ ઉપર ચલણી નોટોનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો.

       દ્વારકાધીશના મંદિરમાં ભક્તોએ રંગ ઉત્સવ મનાવી રંગેચંગે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકા નગરી આખી કૃષ્ણનગરીના રંગમાં રંગાઈ ગઈ છે અને મોટી સંખ્યામાં ભાવિક ભકતો પગપાળા દ્વારકામાં આવીને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ફૂલડોલ ઉત્સવને લઈ મોટી દ્વારકા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે સમગ્ર દ્વારકાની બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યું છે.ગુજરાતની મુખ્ય તીર્થ સમાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી યાત્રાધામ દ્વારકામાં છેલ્લાં બે વર્ષમાં કોરોના કાળના કારણે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જોકે, આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા અને રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરતા દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે. દ્વારકામાં તારીખ 17 અને 18ના રોજ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જેને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, બરોડા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાંથી લાખો પદયાત્રિકો ચાલીને દ્વારકા પહોંચી રહ્યા છે.
    
       અમદાવાદથી દ્વારકા સુધીનો હાઈવેમાર્ગ પદયાત્રિકોથી ઉભરાયો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના પદયાત્રિકો માટે અનેક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પ પણ લગાવ્યા છે. જેમાં પદયાત્રિકોને ખાણી-પીણી ઉપરાંત મેડિકલની પણ સુવિધા આપવામાં આવે છે. તેમજ વિશ્રામ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમ્યા હતા. જામનગરથી દ્વારકા સુધી મુખ્યત્વે રિલાયન્સ કંપની અને સૌરાષ્ટ્ર કેલસ્યાન બોક્સાઈડ કંપની જેવી માતબર કંપનીઓએ પણ સેવાના આ યજ્ઞમાં જોડાઈ ગઈ છે. દ્વારકાધીશના દર્શન માટે આવનારા પદયાત્રિઓ કોરોનાના કેસમાં ઘટાડો થતા અનેરા ઉત્સાહમાં છે. રાત્રિના ઠેર-ઠેર હાઈવે માર્ગ પર ઊભા કરવામાં આવેલા ટેન્ટમાં પદયાત્રિઓ લોકડાયરો, રાસગરબા, ઢાઢીલીલા અને સૌરાષ્ટ્ર ગુજરાતનું ભવ્ય ભાતીગળ લોક સંસ્કૃતિના કાર્યક્રમો યોજી રહ્યા છે.

     દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી અને જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ 1200 પોલીસ કર્મીઓ ફૂલડોલ ઉત્સવના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરશે. બંદોબસ્તમાં 5 DySp, 15 PI, 50 PSI સહિત પોલીસકર્મી, એસ.આર.ડી., એસ.આર.પી., જી.આર.ડી., સહિતનો પોલીસ સ્ટાફ દ્વારકા અને આસપાસના વિસ્તારમાં વ્યવસ્થા માટે ગોઠવામાં આવશે. દ્વારકા મંદિરના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓને દર્શન વ્યવસ્થા માટે ખાસ પ્રકારની બેરીકેટીંગ અને યાત્રીકોના અવર જવરના રસ્તાની અલગથી વ્યવસ્થા કરાય છે.

Download Our B K News Today App



Related News