પશુપાલકોનું 'નસીબ' બદલાશે : PM મોદી બનાસ ડેરીના જે સંકુલનું લોકાર્પણ કરવાના છે એમાં દૂધની બનાવટ સાથે બટાટાની પ્રોડક્ટ બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 12:10:06
  • Views : 814
  • Modified Date : 2022-04-18 12:10:06



બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ અને દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરાશે

બનાસ ડેરીના ચીઝ અને વે પાઉડર પ્લાન્ટ, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો CNG સ્ટેશનનું PMના હસ્તે ઇ-લોકાર્પણ થશે

પ્રતિદિન પાંચ હજાર ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા ચાર ગોબરગેસ પ્લાન્ટનું ઈ-ખાતમુહૂર્ત કરશે

 

સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં બનાવેલી બીજી ડેરીનું 19મી તારીખે PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. બીજી ડેરીનું લોકાર્પણ થતાં જ બનાસ ડેરીની પ્રતિદિન એક કરોડ લિટર દૂધ પ્રોસેસિંગની કેપેસિટી થઈ જશે. બનાસકાંઠાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું આગામી 19 એપ્રિલના વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. ત્યારે આવો જાણીએ આ નવા સંકુલને કારણે પશુપાલકો અને દૂધ ઉત્પાદનક્ષેત્રે શું ફાયદો થશે?

 

ડેરી પ્રોડક્ટ અને પોટેટો પ્રોડક્ટનું ઉત્પાદન થશે
151
વીઘામાં નિર્માણ કરાયેલા બનાસ ડેરીના સંકુલમાં પહેલા દિવસથી જ 30 લાખ લીટર કેપેસિટીનું હેન્ડલીંગ કરી શકાશે. બટર પ્લાન્ટ, માવા પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે. અહીં આઈસક્રીમ સહિત દૂધ બનાવટની અન્ય પ્રોડક્ટ પણ બનશે. પોટેટો પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે. જેમાં ફ્રેન્ચ ફ્રાઈઝ, આલુ ટીકી, બર્ગર જેવી ફ્રોઝન આઈટમનું ઉત્પાદન કરાશે

બનાસ ડેરીની પ્રતિદિન 1 કરોડ લીટર દૂધ પ્રોસેસિંગની ક્ષમતા થશે
બનાસ ડેરીએ ભારતની સૌથી મોટી ડેરી છે. ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં જ બીજી ડેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 151 વિઘામાં તૈયાર થયેલા બનાસ ડેરી સંકુલનું 19મી તારીખે પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જેથી બનાસ ડેરીની પ્રતિદિન દૂધ પ્રોસેસિંગની ક્ષમતા વધીને 1 કરોડ લીટર થઈ જશે.

બનાસકાંઠામાં પશુપાલકોની આવક 280 કરોડથી વધીને 1000 કરોડ થઈ
એક જ જિલ્લામાં નવી એક ડેરી બનાવવાની જરૂરત ઊભી થઇ હોય તેવો બનાસકાંઠા જિલ્લો દેશનો પ્રથમ જિલ્લો છે. બનાસકાંઠામાં પહેલી જે ડેરી હતી આખા દેશમાં સૌથી મોટી ડેરી અને આજે નવી ડેરી બને છે એ પણ એટલી જ મોટી ડેરી છે. ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે બનાસકાંઠા જિલ્લાના પશુપાલનકોની મહિનાની આવાક 280 કરોડ આજુબાજુ હતી. જે આજે વધીને 280 કરોડ માંથી એક હજાર કરોડે પહોંચી ચૂકી છે.

ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો CNG સ્ટેશનનું લોકાર્પણ કરાશે
વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, અને બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા)નું ઈ-લોકાર્પણ થશે. જ્યારે નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) ખાતે પ્રધાનમંત્રીના હસ્તે ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવશે.

18 મહિનામાં જ નવા પ્લાન્ટનું કામ પૂર્ણ કરાયું
દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય જૂન-2020માં શરૂ થયું હતુ. ફેબ્રુઆરી 2020માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ડેરી પશુપાલન મંત્રી સંજીવ બાલિયાનની ઉપસ્થિતિ અને લાખો પશુપાલકોની જનમેદનીમાં ખાતમુહૂર્ત કરાયું હતું. જે માત્ર 18 મહિનાના ટૂંકાગાળામાં અને વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે.

19મી તારીખે મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે
ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું હતું કે, નવા પ્રોજેક્ટના કારણે જિલ્લાની ઈકોનોમીને મોટું બુસ્ટઅપ મળશે. પ્રધાનમંત્રી જે પ્રમાણે જિલ્લા વાસીઓને પ્રોત્સાહિત કરે છે એ પ્રમાણે જિલ્લાની ગ્રામણી મહિલાની અંદર ખૂબ ઉત્સાહ છે. ગામે ગામથી બહેનોની મિટિંગો થઈ રહી છે. એ ભેગા મળીને બીજા ગામની અંદર સંદેશો આપવા પણ જઈ રહ્યા છે કે તમે પણ ડેરીની અંદર આવજો અને જે રિસ્પોન્સ અમને મળી રહ્યો છે એ ઉપરથી હું કહી શકું કે ગુજરાતના ઇતિહાસ માં ક્યારેય નહિ થયું હોઈ એટલી મોટી સંખ્યામાં બહેનો નું વિશાળ સંમેલન એ કદાચ બનાસ અંદર 19મી તારીખે થશે.

 

Download Our B K News Today App



Related News