પાટણ વહિવટી તંત્રની પહેલ હવે દેશભરમાં લાગુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-05 12:20:54
  • Views : 426
  • Modified Date : 2020-05-05 12:20:54

સામાજીક અંતર જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી જીવનજરૂરી
ચીજવસ્તુઓની દુકાનો આગળ રાઉન્ડ ર્માકિંગની પહેલ દેશભરમાં અપનાવવામાં આવી છે. રાઉન્ડ ર્માકિંગ સિસ્ટમના
પાયોનિયર રહેલા પાટણ જિલ્લાની વધુ એક પહેલ દેશભરમાં લાગુ કરવામાં આવી છે. લોકડાઉનની શરૂઆત સાથે જ ભોજન વિતરણ અને જનજાગૃતિની જે વ્યવસ્થા શહેરમાં ઉભી કરવામાં આવી હતી તે જ પ્રકારની વ્યવસ્થા દેશના દરેક જિલ્લામાં ઉભી કરવા કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા ગત તા.૦૮ એપ્રિલના રોજ એડવાઈઝરી પ્રસિદ્ધ કરવામાં આવી છે. કોરોના વાયરસ મહામારીને નાથવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૫ માર્ચથી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. ધંધા-રોજગાર બંધ થતાં છુટક મજૂરી કરીને પેટીયું રળતા
પરિવારોના જીવનનિર્વાહની દરકાર કરી જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં એક સ્વૈચ્છીક સંસ્થાને લાઈઝનીંગની જવાબદારી
આપી તમામ સંસ્થાઓને તેના વડપણ હેઠળ કામ કરવા ચોક્કસ માળખું નક્કી કરવામાં આવ્યું. ગત તા.૨૪ માર્ચના રોજ યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવેલા માળખા મુજબ વિતરણ વ્યવસ્થા સફળતાપૂર્વક ચાલી છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ સ્થાનિક સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે સંકલન માટે જિલ્લા કક્ષાએ એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવે, એક મુખ્ય સ્વૈચ્છીક સંસ્થા નક્કી કરવામાં આવે જે અન્ય તમામ સંસ્થાઓ વતી નોડલ ઓફિસર સાથે સંકલનમાં રહે. વધુમાં નોડલ આૅફિસર અને મુખ્ય સ્વૈચ્છીક સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા વિસ્તારો મુજબ અન્ય સ્વૈચ્છીક સંસ્થાઓને જે તે વિસ્તારની જવાબદારી
સોંપવામાં આવે. જેના પગલે
પાટણના આ વર્ક મોડેલને દેશભરમાં લાગુ કરવા નીતિ આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એડવાઈઝરી પાટણ જિલ્લા માટે ગર્વની વાત છે.

Download Our B K News Today App



Related News