ગૌશાળા અને પાંજરાપોળ સહાયથી વંચિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-04 11:21:10
  • Views : 198
  • Modified Date : 2022-09-04 11:21:10

રાજ્ય સરકારે રૂપિયા 500 કરોડની સહાય યોજના જાહેર કર્યા બાદ છ માસથી ગૌશાળા અને પાંજરાપોળને હજુ સુધી એક પણ રૂપિયો ચૂકવ્યો નથી ત્યારે સંચાલકો હવે લડાઈના મૂડમાં આવી ગયા છે

રાજ્યભરમાં આવેલી ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા અબોલ જીવો માટે રાજ્ય સરકારે રૂપિયા 500 કરોડની સહાય યોજના જાહેર કર્યા બાદ છ માસથી ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો આ સહાય માટે સરકાર સમક્ષ અનેક વખત આજીજી કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી એક પણ રૂપિયો ચૂકવ્યો નથી ત્યારે સંચાલકો હવે લડાઈના મૂડમાં આવી ગયા છે અને આજે ડીસા ની ટેટોડા ગૌશાળા ખાતે બેઠક યોજી આગામી સમયમાં રાજ્યભરના ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સરકાર સામે સીધી લડાઈનું રણસિંગુ ફૂંકશે. . . .

ગુજરાત સરકારે આ વર્ષે બજેટ વખતે રાજ્યભરની ગૌશાળા અને પાંજરાપોળના નિભાવ માટે રૂપિયા 500 કરોડની સહાય યોજના જાહેર કરી હતી. દાતાઓના દાન ની સહાયથી ચાલતી ગૌશાળા પાંજરાપોળોમાં કોરોના સમય બાદ દાનનો પ્રવાહ મહદ અંશે ઘટી ગયો હતો. જેથી અબોલ જીવોનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો ત્યારે સરકારે રૂપિયા 500 કરોડની જાહેરાત કરતા સંચાલકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. પરંતુ તેઓનો આ આનંદ ઠગારો નીકળ્યો હતો.છેલ્લા છ માસથી ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સરકાર સમક્ષ અનેક બેઠકો,ચર્ચાઓ કરી સહાયની માંગણી કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી સરકારે એક પણ રૂપિયો નિભાવ માટે આપ્યો નથી. ત્યારે હવે સંચાલકોની ધીરજ ખુટી છે. આગામી સમયમાં ભાભર ખાતે રાજ્યભરની ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું મહા અધિવેશન યોજાનાર છે. જે બેઠક ના અનુસંધાને આજે ડીસા ની ટેટોડા ગૌશાળા ખાતે બેઠક યોજાઇ હતી. સંચાલકોના જણાવ્યા મુજબ સરકારને સહાય માટે ખૂબ આજીજી કરી ચૂક્યા છીએ પરંતુ ગાયોના નામે મત મેળવી આ સરકારે ગૌશાળા પાંજરાપોળો સાથે ઠગાઈ કરી છે. જેથી હવે સરકાર સમક્ષ સીધી લડાઈ લડી લડવી પડશે. રાજ્યભરમાં ગૌ પ્રેમીઓના કરોડો મત છે તેને સરકારે ચેતી જવાની જરૂર છે તેમ સંચાલકો આક્રોશ પૂર્વક જણાવી રહ્યા છે અને આ મહા અધિવેશનમાં સરકાર સમક્ષ સીધી લડાઈનું રણસિંગુ ફૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News