ડીસામાં આરોગ્ય વિભાગનો નવતર પ્રયોગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 14:32:50
  • Views : 539
  • Modified Date : 2019-08-24 14:38:05

વિશ્વમાં સહુથી વધી બીમારીઓ મચ્છરના કારણે થતી હોય છે ત્યારે બનાસકાંઠામાં  આરોગ્ય વિભાગ દ્વારા ડીસા તાલુકાને મચ્છર મુક્ત બનાવવા માટેનો અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાને મચ્છર મુક્ત બનાવવાના પ્રયાસોમાં જિલ્લાનું આરોગ્ય વિભાગ અત્યારે કટિબધ્ધ બન્યું છે.  વિશ્વમાં સહુથી વધુ બીમારીઓ મચ્છરના લીધે થતી હોય છે.  સરકાર પણ મચ્છરજન્ય રોગને અટકાવવા માટે હંમેશા પ્રયાસ કરતી હોય છે. મચ્છરજન્ય બીમારીઓમાં મેલેરિયાથી માંડી ડેન્ગ્યુ જેટલી ખતરનાક બીમારીઓ થતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુ અને મલેરિયાની બીમારીનું પ્રમાણ પણ જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી વધુ રહેતું હોય છે. ડીસામાં ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય બીમારીઓમાંથી લોકોને મુક્તિ મળી રહે અને ડીસા તાલુકો મચ્છર મુક્ત બની રહે તે માટે કટિબધ્ધ થઈ છે. ડીસાને મચ્છર મુક્ત બનાવવા માટે આરોગ્ય વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.  તે છે ગપ્પી નામની માછલી.  ડીસા નજીક આવેલા વાસણા ગામમાં ગપ્પી માછલીનું એક નાનકડું ઉછેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને આ ઉછેર કેન્દ્રમાથી ગપ્પી નામની માછલીઓને લઈને ગામડાઓના તળાવમાં છોડવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર ગપ્પી માછલી પોરા ભક્ષક માછલી છે અને તે તળાવોમાં કે જ્યાં મચ્છરોના ઈંડામાથી પોરા તૈયાર થાય છે તે પોરાને આ ગપ્પી માછલી ખાઈ જાય છે અને તેનાથી મચ્છરોની ઉત્પતિ અટકી જાય છે. આરોગ્ય વિભાગને પણ આશા છે કે તેમના આ પ્રયાસથી ડીસાને મચ્છર મુક્ત બનાવી શકવામાં સફળતા મળશે. માનવીનું લોહી ચુસ્યા પછી જ મચ્છર ઇંડા મૂકે છે. પ્રથમ કાંકરિયામાંથી ગપ્પી માછલી લવાઇ હતી. મેલેરિયા માટે ખતરનાક ગણાતો માદા એનોફિલીસ મચ્છર ૧૦૦ થી વધુ ઇંડા મુકે છે. તેમાંથી ખુબ ઝડપથી ઉદ્‌પાદન થતાં મચ્છરના ઉપદ્રવને નાથવા માટે મોટા તળાવોમાં ગપ્પી માછલી છોડવામાં આવે છે. આવી એક માછલી દિવસમાં મચ્છરના ૩૦૦ ઇંડા ખાઇ જાય છે. જેથી મચ્છરોના ઉપદ્રવમાં ઘટાડો લાવી શકાય છે. કુદરતની પ્રકૃતિ મુજબ દરેક શહેર અને જિલ્લામાં ચોમાસા દરમિયાન મચછરોની ઉત્પત્તિ કેન્દ્રોમાં સ્વાભાવિક રીતે જ વધારો થતો હોય છે. તેને અંકુશમાં લેવામાં ન આવે તો મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળો ફાટી નીકળતા વાર નથી લાગતી. ગપ્પી માછલી તળાવમાં છોડવાથી મચ્છરોની ઉત્પત્તી ઉપર કાબૂ મેળવી શકાય છે. એક ગપ્પી માછલી મચ્છરના ૩૦૦ ઇંડા ખાઇ જતી હોવાથી મેલેરિયા ઉપર આસાનીથી કાબૂ મેળવી શકાય છે. મેલેરિયા વાહક તરીકે ઓળખાતો એનોફિલીસ નામનો માદા મચ્છર માનવીને કરડ્‌યા પછી જ ઇંડા મૂકી શકે છે. એટલે કે તેને ઇંડા મૂકવા માટે માનવીનું લોહી ચૂસવુ પડે છે. આ મચ્છર એક સાથે ૧૦૦થી વધુ ઇંડા મૂકી શકે છે. મચ્છર ઇંડા મૂકે તેના બીજા દિવસે ઇંડામાંથી પોરા બને અને છઠ્ઠા દિવસે પોરામાંથી કોસેટો બને છે. તે પછી ૭માં દિવસે કોસેટોમાંથી પૂર્ણ સ્વરૂપનો મચ્છર બનતો હોય છે. તળાવના પાણીમાં થતાં મચ્છરોના પોરાનો વિકાસ અટકાવવા ગપ્પી માછલી છોડવા પડે છે. આજથી સાત વર્ષ પહેલાં અમદાવાદના કાંકરિયા તળાવમાંથી ગપ્પી માછલીનો જથ્થો પ્રથમ વખત લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અલગ અલગ જિલ્લાઓમાં તેનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ ગ્રામજનો પણ હવે રોગમુક્ત બનશે તેમ માની રહ્યા છે.  અત્યારે વિશ્વમાં ડેન્ગ્યુ અને મલેરિયાના લીધે સહુથી વધુ લોકો બીમાર પડી રહ્યા છે. ડીસા તાલુકામાં પણ આ બીમારીના સહુથી વધુ કિસ્સા સામે આવી રહ્યા છે. ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ ખુબ જ સારો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસ કેટલો કારગર નીવડે છે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે.


Download Our B K News Today App



Related News