બટાકામાં ભાવ તળીયે બેસી જતા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 11:28:02
  • Views : 316
  • Modified Date : 2021-03-20 11:28:02

બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. અંદાજીત ૮૦૦ થી ૧૦૦૦ કરોડનું નુકસાન ખેડૂતોને વેઠવું પડયું છે ત્યારે ખેડૂત ક્રાંતિ યુનિયન દ્વારા ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી સરકાર ખેડૂતોને બટાકાની મંદીમાંથી ઉગારવા કોઈ આયોજન કરે તે માટે રજૂઆત કરી હતી.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ વખતે બટાકાનું બમ્પર ઉત્પાદન થયું છે. જેના કારણે આ વર્ષે બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે. ગત વર્ષે જે બટાકાના ભાવ ૨૫ થી ૩૦ રૂપિયા કિલો હતા તે બટાકાનો ભાવ આ વર્ષે ૪ થી ૫ રૂપિયા કિલો થઇ ગયો છે. જેના કારણે બટાટાનું વાવેતર કરતા હજારો ખેડૂતોને ૮૦૦ થી ૧૦૦૦ કરોડ
રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ છે. કોલ્ડ સ્ટોરેજમાં પણ આ વખતે ૧૦ ટકા જેટલો ભાવ વધારો કરી દેતાં ખેડૂતોને કમરતોડ ફટકો પડ્યો છે. ત્યારે  ખેડૂત ક્રાંતિ યુનિયન દ્વારા ડીસાના નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આ યુનિયન અંતર્ગત ખેડૂતો ડીસાના મહાકાલી મંદિર
પાસેથી રેલી સ્વરૂપે નીકળી નાયબ કલેક્ટર કચેરી ખાતે
પહોંચ્યા હતા. જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર ખેડૂતોને બટાકાની મંદીમાંથી ઉગારવા માટે કોઈ આયોજન કરે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News