ડીસાના કાંટ ગામે આવેલ કોલ્ડ સ્ટોરેજમાં આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-23 11:24:27
  • Views : 722
  • Modified Date : 2020-05-23 11:24:27

બનાસકાંઠામાં ડીસા પાસે આવેલ એક ફ્રુટના કોલ્ડ સ્ટોરેજમાં અચાનક આગ લાગતા કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું અને આગના કારણે સ્ટોર માલિકને અંદાજે ૫ કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન લાગવાઇ રહ્યુ છે. 

બનાસકાંઠાના ડીસા કાંટ રોડ પર રાજકમલ ફ્રુટ એન્ડ વેજીટેબલ નામનું કોલ્ડ સ્ટોરેજ આવેલ છે. જે કોલ્ડ સ્ટોરેજમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા કોલ્ડ સ્ટોરેજના સ્ટાફે માલિક ગલબાજી દયારામજી સુંદેશાને જાણ કરતા તેઓ દોડી આવી ડીસા પાલિકાના ફાયરફાઈટરને જાણ કરી હતી. જેથી બનાવના પગલે ડીસા પાલિકાના બે ફાયર ફાઇટરે ઘટનાસ્થળે આવી આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે તેમ છતાં પણ આગ કાબુમાં ન આવતા એચપીસીએલ અને પાલનપુરથી પણ ફાયરફાઈટરની ટીમને બોલાવી પડી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો વિકરાળ આગના કારણે કોલ્ડ સ્ટોરેજ બળીને ખાખ થઈ ગયું હતું. આગ એટલી વિકરાળ હતી કે ૫ કિલોમીટર સુધી આગના ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. જેના કારણે લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જ્યારે ભીડને કાબુમાં લેવા માટે ડીસા તાલુકા પોલીસ અને નાયબ કલેકટર પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. આ બાબતે કોલ્ડ સ્ટોરેજના માલિક સુરેશભાઈએ જણાવ્યું હતું કે આગનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ આગથી આખું કોલ્ડ સ્ટોરેજ બળીને ખાખ થઈ ગયું છે અને જેના કારણે સ્ટોરેજમાં પડેલ ફ્રુટ અને બે કોલ્ડ સ્ટોરેજ થઈને પાંચ કરોડ ઉપરાંતનું નુકસાન થવા પામ્યું છે. જોકે વહીવટી તંત્રની મદદથી ફાયર ફાઈટર સમયસર આવી જતા બાજુમાં આવેલ બીજું કોલ્ડસ્ટોરેજ બચી ગયું છે. કોલ્ડ સ્ટોરેજમાં આગના સમાચાર મળતા જ કલેકટરે વહીવટી તંત્રને સતર્ક રહેવા આદેશ આપ્યા હતા. જેથી નાયબ કલેકટર સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે આગને લઈને ડીસા એરપોર્ટ ચારરસ્તાથી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. આગના સમાચારને લઈને ડીસા આસપાસના કોલ્ડ સ્ટોરેજ માલિકો અને ગ્રામજનો દોડી આવી મદદમાં લાગ્યા હતા. 

 

Download Our B K News Today App



Related News