ડીસા ડી.એન.પી.આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રણ વર્ષથી ટેબલેટ ન આપતા વિદ્યાર્થીઓએ કર્યો હંગામો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-25 13:01:37
  • Views : 560
  • Modified Date : 2021-08-25 13:01:37

     ડીસા કોલેજમાં મંગળવારે વિદ્યાર્થીઓએ ટેબલેટ મામલે હંગામો મચાવ્યો હતો. સરકાર દ્વારા કરેલી જાહેરાત મુજબ પૈસા ભર્યા બાદ પણ અઢી વર્ષ થવા આવ્યા છતાં પણ હજુ સુધી એક પણ વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા આખરે કંટાળીને વિદ્યાર્થીઓએ  કોલેજ સંચાલકો સામે વિરોધ દર્શાવ્યો હતો. કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ આધુનિક વિશ્વ સાથે કદમ મિલાવી શકે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે સરકાર દ્વારા ૧ હજાર રૂપિયામાં ટેબલેટ આપવાની જાહેરાત કરાઈ હતી. જે મુજબ યુનિવર્સિટીની કેસીજી ટેબલેટ સ્કીમ અંતર્ગત વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જેમાં ડીસાની કોલેજના પણ ૧૭૯૫ જેટલા વિદ્યાર્થીઓએ ૧૭ લાખ જેટલા પૈસા જમા કરાવ્યા  હતા. જ્યારે યુનિવર્સિટીમાં કુલ ૩૪ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ૩.૪૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તેમ છતાં ડીસાની કોલેજના એક પણ વિદ્યાર્થીને હજુ સુધી ટેબલેટ મળ્યું નથી. કોલેજના પ્રથમ સેમિસ્ટરમાં અભ્યાસ કરતા હતા. ત્યારે આ ટેબલેટના નાણાં જમા કરાવ્યા હતા. પરંતુ હવે કોલેજના વિદ્યાર્થીઓ પાંચમા સેમેસ્ટરમાં આવ્યા છે અને કોલેજ પણ હવે પૂર્ણ થવા આવી છે. તેમ છતાં પણ હજુ સુધી તેમને ટેબલેટ મળ્યા નથી. આ અંગે વિદ્યાર્થીઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી નથી તો વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા કે નથી નાણાં પરત મળ્યા. કોલેજ દ્વારા ટેબલેટ ના આપતા ગ્રામીણ વિસ્તારમાંથી આવતા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કોરોનાવાયરસની મહામારીના કારણે કોલેજનો તમામ અભ્યાસક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓ પાસે ટેબલેટ ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. એકવાર કોલેજમાં રજૂઆત કરવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી કોલેજ દ્વારા ટેબલેટ આપવામાં આવ્યા ન હતા. જેથી કંટાળેલા વિદ્યાર્થીઓએ  કોલેજ કેમ્પસમાં યુનિવર્સિટીના સંચાલકો અને સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. અને કોલેજના આચાર્ય રાજુભાઈ દેસાઈને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

 

હજુ સુધી વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી કોલેજમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકે તે હેતુથી સરકારે મોટી મોટી જાહેરાતો કરી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી નાણા પણ ખંખેર્યા હતા. પરંતુ હજુ સુધી અમને ટેબલેટ મળ્યા નથી.

 

યુનિવર્સિટી તરફથી હજુ સુધી ટેબલેટ આપવામાં આવ્યા નથી

 

ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓએ જમા કરાવેલ પૈસા અમે સમયસર યુનિવર્સિટીમાં જમા કરાવ્યા હતા. પરંતુ યુનિવર્સિટી દ્વારા હજુ સુધી ડીસા કોલેજમાં એક પણ ટેબલેટની ફાળવણી કરાઈ નથી. આ બાબતે ડીસા કોલેજ તરફથી વારંવાર પત્ર લખી જાણ પણ કરવામાં આવી છે. તેમ છતાં ટેબલેટ નથી આપવામાં આવ્યા. તાત્કાલિક ધોરણે ટેબલેટ આપવા વિદ્યાર્થીઓની માંગ સરકાર ભલે વિદ્યાર્થીઓના હિતની વાતો કરતી હોય પરંતુ પરિસ્થિતિ કંઈક ઓરજ દર્શાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ ટેબલેટ માટે પૈસા જમા કરાવ્યા બાદ કોલેજ પૂર્ણ થવા આવી હોવા છતાં પણ હજુ સુધી એક પણ વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી. ત્યારે ખરેખર આજ રીતે ભણશે ગુજરાત. ત્યારે હાલ તો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ટેબલેટ આપવામાં આવે.

Download Our B K News Today App



Related News