ડીસા કોલેજમાં સામુદાયિક સેવાધારા દ્વારા શિક્ષણથી વંચિત બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:22:33
  • Views : 250
  • Modified Date : 2021-03-11 11:22:33

ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના સામુદાયિક સેવાધારા દ્વારા કોલેજ સભાગૃહ ખાતે શિક્ષણથી વંચિત બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ અને શિક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામુદાયિક સેવા ધારાના કન્વીનર પ્રો. આશાબેન આર. ચૌધરીના માર્ગદર્શનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ડીસા નગરમાં નિવાસ કરતા અને પ્રાથમિક શિક્ષણથી વંચિત બાળકોનો અને તેમના વાલીઓનો સંપર્ક કરી, તેમના માતા-પિતાને સમજાવી આવા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે તે માટે તેમને કોલેજમાં આ કાર્યક્રમમાં વાલીઓ સાથે લાવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના દિપ પ્રાગટ્ય કરી પ્રોફેસર આશાબેન ચૌધરીએ કાર્યક્રમ આયોજનનો ઉદ્દેશ સમજાવ્યો હતો. ત્યારબાદ કોલેજના સામુદાયિક સેવાધારા દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, વોટર બેગ, સ્લેટ, પેન, સંચો, પેન્સિલ, નોટબુક, પુસ્તક, કલર, રબર વગેરેની શૈક્ષણિક કીટ બાળકોને અર્પણ કરી હતી.

ડીસાના જાણીતા પર્યાવરણ પ્રેમી ડૉ.નવીનભાઈ શાહ, કોલેજના નિયમાક છગનભાઈ પટેલ, કોલેજના કાર્યકારી આચાર્ય રાજુભાઈ દેસાઈ, કોલેજના પૂર્વ કાર્યકારી આચાર્યા વંદનાબેન સિસોદિયા, સપ્તધારાના કન્વીનર ડૉ.ભાનુભાઈ પટેલ, પ્રો. હરીશભાઈ ત્રિવેદી તેમજ કોલેજ સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વક્તાઓએ શિક્ષણથી વંચિત બાળકોના વાલીઓને વર્તમાનમાં શિક્ષણનું શું મહત્વ છે તે સમજાવી તેમના બાળકોને શાળાએ અભ્યાસ માટે મૂકવા હાકલ કરી હતી. પ્રો.આશાબેન ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, નવા શૈક્ષણિક સત્રથી ડીસા નગરમાં જે આ બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે તેમના પ્રાથમિક શાળામાં એડમિશન સામુદાયિક સેવા ધારાના વિદ્યાર્થીઓ દ્વારા કરાવવામાં આવશે અને તેમની ફી ની ચિંતા પણ એક વર્ષ સુધી કોલેજ સામુદાયિક સેવાધારા દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ૧૬ બાળકોએ તેમના વાલીઓ સાથે ભાગ લીધો હતો. વાલીઓએ પણ પોતાના બાળકોને નવા સત્રથી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. કાર્યક્રમને અંતે સામુદાયિક સેવાધારા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કોલેજના પ્રાધ્યાપિકા વંદનાબેન સિસોદિયાએ પણ આ કાર્યક્રમથી પ્રસન્નતા વ્યક્ત કરી નાના ભૂલકાઓને ચોકલેટ અને વેફરનું વિતરણ કર્યું હતું. સપ્તધારાના કન્વીનર ડૉ.ભાનુભાઈ પટેલે કાર્યક્રમના સુંદર આયોજન બદલ સામુદાયિક સેવાધારાના કન્વીનર પ્રો.આશાબેન ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

Download Our B K News Today App



Related News