રિટાયરમેન્ટ અને દિલ્હી ડેપ્યુટેશનના કારણે ગુજરાતમાં અધિકારીઓની ઘટ, 30% IAS, IPSની જગ્યા ખાલી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:49:36
  • Views : 234
  • Modified Date : 2021-03-09 10:49:36

    ગુજરાત સરકારમાં હાલ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની 30 ટકા જગ્યાઓ પર ઘટ છે. ગુજરાત સરકારને ફાળવાયેલાં 313 આઇએએસ અધિકારીઓ પૈકી હાલ 94 અધિકારીઓની ખોટ છે, તો કુલ ફાળવાયેલા 208 આઇપીએસ અધિકારીઓની જગ્યા પર 70 અધિકારીઓ ઓછાં છે. વિધાનસભાના ચાલુ સત્રમાં કોંગ્રેસી ધારાસભ્યોએ સામાન્ય વહીવટ તથા ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને પૂછેલાં પ્રશ્નોના જવાબમાં મુખ્યમંત્રીએ ઉત્તર વાળ્યો હતો. ​​

    કોંગ્રેસના ધારાસભ્યો ચંદન ઠાકોર, શિવાભાઇ ભૂરીયા અને ડો. સી જે ચાવડાએ રાજ્યમાં અલગ અલગ કેડરો પર રહેલી ખાલી જગ્યાઓ અંગે માહિતી માગી હતી. જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યને ફાળવાયેલી 313 આઇએએસ અધિકારીઓની જગ્યામાંથી 71 જગ્યા પર ભરતી થઇ નથી જ્યારે રાજ્યના 23 આઇએએસ અધિકારીઓ હાલ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર છે. આ સાથે રાજ્ય માટે મંજૂૂરી થયેલી કુલ 208 આઇપીએસ અધિકારીઓની જગ્યાઓમાંથી 50 જગ્યાઓ ભરાઇ નથી તથા 20 આઇપીએસ અધિકારીઓ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર છે.

    ગુજરાતમાં છેલ્લાં કેટલાંય સમયથી સનદી અધિકારીઓની ફાળવણી થાય છે તેની સામે રાજ્યની સેવામાંથી નિવૃત્ત થનારા અને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર જનારા અધિકારીઓની પ્રમાણ વધુ હોવાથી આ ઘટ પૂરાતી નથી. ગયાં વર્ષે જ ગુજરાતમાં 19 આઇએએસ અધિકારીઓ નિવૃત્ત થયાં હતાં. અને આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં વધુ 12 આઇએએસ અધિકારીઓ નિવૃત્ત થશે. હાલ ગુજરાતમાંથી પ્રતિનિયુક્તિ પર જતાં આઇએએસ અધિકારીઓનું પ્રમાણ ઘટ્યું છે, તેમ છતાં હજુ ત્રણેક અધિકારી કેન્દ્રમાં જશે.

    આ ઉપરાંત સચિવાલયમાં વિવિધ વિભાગોમાં ફાઇલ તૈયાર કરવાની મહત્ત્વની કામગીરી સંભાળતા સેક્શન અધિકારી કેડરના વર્ગ-2ના 535 મંજૂર મહેકમની સામે 107 જગ્યા એટલે કે 25 ટકા જગ્યાઓ ખાલી છે.

Download Our B K News Today App



Related News