અમદાવાદમાં બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-02 13:36:00
  • Views : 317
  • Modified Date : 2024-04-02 13:36:00

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડવાનું પણ શરૂ પણ થઈ ચૂક્યું છે. બપોરના સમયે રસ્તા પર અવરજવર કરતા વાહન ચાલકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, તો સાથે જ રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને પણ ભારે ગરમી સહન કરવી પડી રહી છે. વાહન ચાલકો તેમજ ટ્રાફિક જવાનોને કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જેમ જેમ ગરમીની ઋતુ આગળ વધતી જાય છે તેમ તેમ કાળઝાળ ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ ગરમીનું સૌથી ઊંચું તાપમાન ધરાવે છે. આવા સમયે રસ્તા પર અવરજવર કરતા લોકો, વાહનચાલકો તેમજ ટ્રાફિકની નોકરી કરતા પોલીસ જવાનોને ખૂબ મુશ્કેલી સહન કરવી પડી રહી છે.ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આમ તો લોકો જરૂર સિવાય ઘર કે ઓફિસ બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો રસ્તા પરથી અવરજવર કરે છે, તેમજ પોલીસ જવાનો પણ ભર બપોરે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા સમયે હવે ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને મુશ્કેલી સહન ના કરવી પડે તે માટે બપોરના સમયે અમુક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી વાહન ચાલકોને તડકામાં ઉભું પડે નહીં.

સમગ્ર અમદાવાદમાં ટ્રાફિકના નિયમન માટે 305 જેટલા સિગ્નલો મૂકવામાં આવેલા છે. જેમાંથી 285 જેટલા સિગ્નલો કાર્યરત છે. જે પૈકી 100 સિગ્નલોને ઉનાળા દરમિયાન બપોરના 12 થી 4 વાગ્યાના સમયે બંધ રાખવામાં આવશે એટલે કે આવા સિગ્નલોને બ્લીન્કીંગમાં મૂકવામાં આવ્યા છે. આ 100 સિગ્નલ ઉપર વાહન ચાલકોએ ટ્રાફિક નિયમન માટે સિગ્નલ પર ઊભું રહેવું પડશે નહીં. જેને કારણે વાહન ચાલકોને ગરમીથી પણ રાહત મળશે.આ ઉપરાંત વધારે ટ્રાફિક ધરાવતા અન્ય સિગ્નલોનો સમય 50% સુધી ઓછો કરી દેવામાં આવ્યો છે જેથી વાહન ચાલ લોકોને વધુ સમય તડકામાં ઊભું પડશે નહીં. આ ઉપરાંત ટ્રાફિક વિભાગ જે સિગ્નલો ચાલુ હશે ત્યાં ચાર રસ્તા પર તાલપત્રી અથવા તો મંડપ બાંધવા માટે પણ વિચારણા કરી રહી છે. જેથી કરીને વાહન ચાલકો જેટલી વાર સિગ્નલ ખોલવાની રાહ જોવે તે સમયે તેમને ગરમી લાગે નહીં. જે અંગે પણ આવનારા સમયમાં ટ્રાફિક વિભાગ નિર્ણય લઈ શકે છે.

 

Download Our B K News Today App



Related News