ધો.10માં માસ પ્રમોશન, વિદ્યાર્થીઓએ ભરેલી પરીક્ષા ફી પરત કરવા NSUIએ સરકાર સમક્ષ માંગણી કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-14 14:57:43
  • Views : 260
  • Modified Date : 2021-05-14 14:57:43

    ગુજરાત માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધો.10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે ગુજરાત બોર્ડ દ્વારા યોજાનારી ધોરણ 10 ની પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી લેવામાં આવી હતી તે પરત કરવામાં આવે તેવી NSUI દ્વારા માંગણી કરવામાં આવી છે.

    NSUIના પ્રમુખ નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ધોરણ 10 વિધ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય ખુબ સરસ છે. અમે નિર્ણય આવકારીએ છીએ. પરંતુ પરીક્ષાની ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવી હતી તે પરત કરવામાં આવે. હવે પરીક્ષા જ યોજાવવાની નથી વિદ્યાર્થીઓ પાસેથી ફી ના લેવી જોઈએ, વિદ્યાર્થીઓને ભરેલી ફી પરત કરવામાં આવે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, જોકે, ધો. 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જોકે, તે અંગે 15મી મેના રોજ આખરી નિર્ણય લેવામાં આવશે. અગાઉ રાજ્ય સરકારે ધો. 1થી9 અને 11ના વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષે માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. હવે ધો. 10ના માત્ર નિયમિત વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે ધો. 10 અને 12ની પરીક્ષા 10મી મેથી 25મી મે દરમિયાન લેવાનો નિર્ણય કર્યો હતો.

    જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તે વિદ્યાર્થી સતત સર્વગ્રાહી મૂલ્યાંકન યોજના હેઠળ ધો.1થી10માં અભ્યાસ કર્યો હોવાથી તેની શાળા કક્ષાએ યુનિટ ટેસ્ટ પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે,વાર્ષિક પરીક્ષા નહીં. રાજ્ય સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ધો. 10માં આશરે 3.50 લાખ વિદ્યાર્થી રિપીટર છે. તે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશે નહીં. જ્યારે પણ કોરોનાની સ્થિતિ હળવી થાય ત્યારે તેમના માટે ખાસ ધો. 10ની પરીક્ષા લેવાશે. આમ, રાજ્યમાં ધો.10માં કુલ 11.65 લાખ વિદ્યાર્થી છે.

    માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે.રાજ્ય સરકારે માત્ર 8.60 લાખ નિયમિત વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે, પરંતુ પરીક્ષા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોના કહ્યા પ્રમાણે 3.50 લાખ વિદ્યાર્થી રિપીટર છે. આ રિપીટર વિદ્યાર્થીઓની કોરોનાની સ્થિતિ થાળે પડ્યા પછી પરીક્ષા લેવાશે, જેના કારણે વિવાદ થવાની પૂરી શક્યતા છે.

    શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.

    રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ જે તા. 10મી મે થી 25મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.15 એપ્રિલે કરેલો છે. રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય 15મી એપ્રિલે કર્યો ત્યારે એવું જાહેર કરેલું કે તા.15મી મેએ કોરોના સંક્રમણ સ્થિતિનું આકલન કરીને પૂન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News