ડભોડામાં બેઠેલા ૮૦ વર્ષીય વૃદ્ધાને માસ્ક પહેરેલું જોઇ ડીડીઓએ પ્રસંશા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-17 11:46:11
  • Views : 512
  • Modified Date : 2020-05-17 11:46:11

ગાંધીનગર નજીક ડભોડા ગામમાં વૃક્ષ નીચે બેસેલ લગભગ ૮૦ વર્ષની મહિલાને માસ્ક પહેરેલા જોઈને જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે સરપંચ અને તલાટી સાથે સાથે ગ્રામજનોની માસ્ક પહેરવા અંગેની જાગૃતિની પ્રસંશા કરી હતી. તેમજ સોનારડા ગામમાં જિલ્લા વિકાસ અધિકારીએ માસ્ક
પહેર્યા વગરના ફરતા ત્રણ વ્યક્તિઓને સ્થળ પર જ દંડ ફટકારવા તલાટી કમ મંત્રીને સૂચના આપી હતી.
ગાંધીનગર તાલુકાના કરાઇ, વલાદ, વીરા તલાવડી, વાંકાનેરડા, ગલુદણ, સોનારડા અને ડભોડા ગામોની મુલાકાત ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે લીધી હતી. તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલીયા પણ જોડાયા હતા. આ તમામ ગામોની મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા બાબતે સમીક્ષા કરી અને આ આ બાબતે
સરપંચ અને તલાટી કમ મંત્રીએ કરેલ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. લોકડાઉનનો અમલ થાય છે,
પણ અમુક લોકો જે આ કાયદાનું પાલન કરતા નથી. તેઓને ગ્રામ પંચાયતે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરવી અને આગળ કાયદેસરના પગલાં ભરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.  હાજરમાં રહેલ પોલીસ કર્મચારીઓને પણ લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે અંગે સુચના આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેડિકલ ટીમો બનાવી આગામી બે દિવસમાં ગામના તમામ ઘરોમાં આરોગ્ય સર્વેલન્સ પૂર્ણ કરવા હાજર રહેલ આરોગ્ય કર્મચારીઓને સૂચના આપી હતી. હોમ ક્વોરોન્ટાઈન વ્યક્તિઓની સરપંચ અને તલાટી કમ મંત્રીએ દૈનિક બે વખત રૂબરૂ મુલાકાત કરવી, મુલાકાત માટે રજીસ્ટર નિભાવવું અને મુલાકાત કર્યા અંગેનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારી ગાંધીનગરને મોકલી આપવા
પણ સૂચના આપી હતી. ગ્રામ પંચાયત દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા અંગેના જાહેરનામાનો કડક અમલ કરાવવો.
જિલ્લા વિકાસ અધિકારીએ વલાદ ગામે હોમ ક્વોરોન્ટાઈન કરેલ બે વ્યક્તિઓ સાથે અને ડભોડા ગામે એક વ્યક્તિ સાથે વીડિયો કોલિંગથી વાતચીત કરી તેઓના ખબરઅંતર પૂછયા હતા. ગામોમાં નિયમિત રીતે સેનીટાઇઝેશન થાય તે માટે ગ્રામ પંચાયત અને નિયમિત આરોગ્ય સર્વેલન્સ થાય તે માટે સ્થાનિક આરોગ્ય તંત્રને સૂચના આપી હતી.

Download Our B K News Today App



Related News