ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ થયું : ગુજરાતની વધુ એક સફળતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-09 13:04:38
  • Views : 470
  • Modified Date : 2019-06-09 13:04:38

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર  તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને ૧૦ કરોડ રૂપિયાની વધારાની રકમ સરકાર આપશે. તેમણે આજે રૈયાલીમાં ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કરતા  હવે ગુજરાતના પ્રવાસન વિકાસમાં એક નવું મોર પીંછ ઉમેરાયાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે,  વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતના પ્રવાસનધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમક્યું છે અને ગુજરાતે  વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરંપરા સાકાર કરી છે. વિજય રૂપાણીએ  ગુજરાતમાં પ્રવાસન વૈવિધ્યની વિશેષતાઓની વિશદ ભૂમિકા આપતા ટુરિઝમ સરકીટ વિકસાવવાની પણ નેમ દર્શાવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બાલાસિનોર તાલુકાના નાનકડા રૈયોલી ગામે દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક-ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કર્યુ હતું. અંદાજે સાડા છ કરોડ વર્ષપહેલા મહિસાગર તાલુકાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યો છે. તેને નાનકડા રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યુ છે. ઉદ્યાનની સાથે અદ્યતન ટેકનોલોજીનો વિનિયોગ કરીને ૧૦ ગેલેરી ધરાવતું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. જે વિશ્વની ગુજરાતની-રૈયોલી ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપશે. ગુજરાત પ્રવાસન નિગમ વિકસિત આ સ્થળ વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે. આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લઈને શાળાના બાળકોથી માંડી ડાયનાસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો પુરાતત્વવિદો સંશોધકોને આ જીવાશ્મની અનેક વાતો-ગાથાઓ જાણવા  નિહાળવા મળશે. મુખ્યમંત્રી રૂપાણીએ રૈયાલીનો હવે પ્રવાસન ધામ તરીકે વિકાસ થતાં સ્થાનિક રોજગારીની તકો પણ વધશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાયનાસોર પાર્કના ઉદઘાટન સાથે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને આજથી જોવા મળવાની છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતની ઐતિહાસિક ધરતી પર હડપ્પન સંસ્કૃતિથી લઇ લોથલ-ધોળાવીરાથી માંડીને અનેક પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનોપણ ઉલ્લેખ છે. 


Download Our B K News Today App



Related News