થરાદના રાહ ગામના વડીલને તંત્રએ ઘરે જઇ દવા પુરી પાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 12:02:58
  • Views : 553
  • Modified Date : 2020-04-18 12:02:58

નોવેલ કોરોના વૈશ્વિક મહામારીના લોકડાઉનના સમયમાં બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરોથી લઇ ગ્રામ્ય વિસ્તારો સુધી લોકોને કોઇ તકલીફ ન પડે તેની ઝીણવટભરી કાળજી લેવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વતની અને મુંબઇ સ્થાયી થયેલા ૬૫ વર્ષીય   રોહિતભાઇ
રાજપૂત તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ પોતાના માદરે વતન રાહ ગામે આવ્યા હતા. તેઓ ડાયાબીટીસના દર્દી છે એટલે મુંબઇથી આવ્યા ત્યારે ચેકઅપ કરાવીને દવા લઇ વતન આવ્યા હતા. પરંતું લોકડાઉન જાહેર થતા જ વતનમાં લાંબો સમય રહેવાનું થયુ અને દવા પુરી થઇ ગઇ એટલે મુંબઇ રહેતા
પોતાના દિકરા ભાવિન
રાજપૂતને તેમણે ફોન કર્યો કે, બેટા મારે દવાની જરૂર છે. રોહિતભાઇ રાજપૂતના પુત્ર ભાવિને મુંબઇથી બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેને
ઇ-મેઇલ કરી પોતાના પિતાને આવી પરિસ્થિતિમાં તાત્કાલિક દવા મળે તે માટે વિનંતી કરી. બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ થરાદ પ્રાંત અધિકારી વી.સી.બોડાણા અને આરોગ્યની ટીમને આ વડીલના ઘરે જઇ દવા પુરી પાડવા તથા તેમનું હેલ્થ ચેકઅપ કરવાની સુચના આપતા જ થરાદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. એચ. વી. જેપાલ અને હેલ્થ ટીમે રાહ ગામે રોહિતભાઇ રાજપૂતના ફાર્મ પર જઇ તેમનું હેલ્થ, બી.પી. અને ડાયાબીટીસનું ચેકઅપ કર્યુ તથા એક મહિનાની દવા પુરી પાડી હતી.

Download Our B K News Today App



Related News