કાયદા ભંગ બદલ તોલમાપ વિભાગ દ્વારા ૧.૫૦ લાખના દંડની વસૂલાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 12:16:25
  • Views : 505
  • Modified Date : 2020-06-13 12:16:25

સમગ્ર વિશ્વ જયારે કોરોના વાયરસના ભરડામાં આવી ગયુ છે ત્યાં ભારત સરકાર દ્વારા કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે લોકડાઉન
 આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થતા લોકડાઉનને હળવું બનાવવામાં આવ્યું છે તેમ છતાં અમુક વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાં જ રાખવામાં આવ્યા છે. આ હળવા લોકડાઉનની અસરને પગલે વેપારીઓ દ્વારા ગ્રાહક પાસેથી એમ.આર.પી. કરતા પણ વધુ ભાવ વસુલ કરવામાં આવે છે.
આવા જ કિસ્સા મહેસાણા જિલ્લાના ખેરાલુ, વડનગર અને રણાસણ ખાતે નજરે આવ્યા છે. વજન માપ પેકેજ કોમોડીટી એક્ટ રૂલ્સ-૨૦૧૧ ની જોગવાઈ મુજબ મહેસાણાના ખેરાલુ, વડનગર અને રણાસણ ખાતે જિલ્લા તોલમાપ અધિકારી એન.એમ.રાઠોડ અને તેમની ટીમે દરોડા પાડ્‌યા હતા. ખેરાલુ ખાતે અનાજ દળવાની ઘંટીના માલિક કમલેશભાઈ મોદી દ્વારા ગ્રાહકોને અનાજના લોટનો જથ્થો ઓછો આપવા અંગે ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી. સદર દરોડામાં તેઓ ગ્રાહકને ગ્રાહકે દળાવવા
આપેલ જથ્થા કરતા ઓછો જથ્થો દળી આપતા માલૂમ
પડતા ધી લીગલ મેટ્રોલોજી એક્ટ ૨૦૦૯ની કલમ-૩૦ ના ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કેસ કરી રૂ.૮,૦૦૦ દંડની વસૂલાત કરવામાં આવી હતી.
વડનગર સ્થિત પ્રવિણચંદ્ર શંકરલાલ ઠક્કરની
પાન,મસાલા અને ગુટખાની દુકાનમાં પણ આકસ્મિક દરોડા પાડતા માલિક દ્વારા
પાન-મસાલાના સીલબંધ પેકેજો પેક કરી વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. પરંતુ આ પેકેજ પર નિયમોનુસાર નિર્દેશોનું ચિત્રાંકન અને નિર્દેશન દર્શાવેલ ન હોવાથી તેમજ તે અંગેનું રજીસ્ટ્રેશન કરાવેલ ન હોવાથી ધી લીગલ મેટ્રોલોજી એક્ટ ૨૦૦૯ ના કાયદા અંતર્ગત કાયદાભંગ સબબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રો. કેસ કરી પોતાની ભૂલની સ્વીકારણી કરતા
રૂ. ૩૦,૦૦૦ દંડની વસૂલાત કરવામાં આવી હતી.
 મહેસાણાના રણાસણ ખાતે પણ “કાકા મસાલા” નામે પ્રસિદ્ધ જાણીતી પેઢી પર પણ તોલમાપ વિભાગે દરોડા પાડી આકસ્મિક તપાસ હાથ ધરી હતી. સદર તપાસમાં પણ
પાન-ગુટખાના પોતાની બ્રાન્ડના સીલબંધ પેકેજો મળી આવ્યા હતા જેમાં પેકેજો પર નિયમોનુસાર નિર્દેશોનું ચિત્રાંકન અને નિર્દેશન દર્શાવેલ ન હોવાથી તેમજ તે અંગેનું રજીસ્ટ્રેશન કરાવેલ ન હોવાથી અને ઉત્પાદનના સ્થળે વજન કરવામાં ઉપયોગમાં લેવાતાં તોલમાપના સાધનો
પણ નિયમાનુસારની ચોકસાઈ તેમજ સમતોલન ધરાવતા ન હોઈ સદર ગેરરીતિ આચરવા બદલ ધી લીગલ મેટ્રોલોજી એક્ટ ૨૦૦૯ ના કાયદા અંતર્ગત કાયદાભંગ સબબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  રૂ. ૧,૧૨,૫૦૦ દંડની વસૂલાત કરવામાં આવી હતી. અત્યાર સુધી મહેસાણા જિલ્લામાં લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તથા
પાન-ગુટખા-તમાકુ આદિનું વેચાણ કરતા વેપારી એકમો સામે જિલ્લાના તોલમાપ અધિકારી એન.એમ.રાઠોડ અને તેમની ટીમ જૈમીન ગજ્જર, એસ.વી.પટેલ, મિતુલ પ્રજાપતિ, વિકાસ ચૌધરી અને પ્રિયંક ચૌધરીએ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડની વસુલાત કરી હતી.
સાથે સાથે મહેસાણા જિલ્લા અને રાજ્યની પ્રબુદ્ધ જનતાને વેપારી એકમો પાસેથી છાપેલ એમ.આર.પી કરતા વધુ ભાવે વસ્તુ ન ખરીદવા નિવેદન કર્યું હતું.

Download Our B K News Today App



Related News