ઇકબાલગઢ SBIની લૂંટ વખતે ડાકૂઓ ઊંટ ઉપર આવેલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-12 11:49:05
  • Views : 824
  • Modified Date : 2020-07-12 11:49:05

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ૩૮ વર્ષ પહેલાં સ્ટેટ બેન્કમાં સાત ધાડપાડુઓએ બંદુક તેમજ લાકડી જેવા હથિયારો સાથે લૂંટ મચાવી હતી. જેમાં બેન્કના મેનેજરને માર માર્યો હતો. તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શિવદત્ત બંસીધર શર્માએ આ ધાડપાડુઓની ગેંગનો સામનો કર્યો હતો. ત્યારે ગેંગના ડાકુઓએ આ પોલીસ જવાન પર ફાયરિંગ કરતાં હેડ કોન્સ. શિવદત્ત બંસીધર શર્મા શહીદ થયા હતા. જોકે આ ધાડપાડુઓએ બેન્કમાંથી રોકડ રકમ રૂપિયા ૧,૩૨,૨૦૦ તેમજ એક ઘડિયાળ લઈ નાસી છૂટ્યા હતા. ધાડપાડુઓએ તે વખતે ઊંટનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ લૂંટનો ગુનો તારીખ ૩૦ ડિસેમ્બર ૧૯૮૨ ના રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેના બે આરોપીઓને અગાઉ પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ પોલીસ ચલાવી રહી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ત્રણ ટીમો બનાવી હતી. જેમાં એલસીબી પીઆઇ એચ.પી.પરમાર, એસ.ઓ.જી. પીઆઇ એન.એન.પરમાર તેમજ પેરોલ ફ્લો સ્કવોર્ડના પી.એસ.આઇ. કે.કે.પાટડીયાએ બાતમીના આધારે રાજસ્થાનના પાકિસ્તાન બોર્ડર નજીકના આંતરિયાળ વિસ્તારમાંથી આ ગુનાનો નાસતો ફરતો આરોપી સતીષદાનસિંહ ઉર્ફે સમો દીપસિંહ જબસિંહ રાજપૂત(રાઠોડ- ડોટ) રહે.બીજાવલ, તા. ગરડા. (જિ.બાડમેર રાજસ્થાન) ના ઘરે રેડ પાડતા આરોપી ઝડપાઇ ગયો હતો.

આરોપીની રાજસ્થાનમાં નવ ગુનામાં સંડોવણી

ઝડપાયેલો આરોપી સતીષ દાનસિંહ ઉર્ફે સમો દીપસિંહ જબસિંહ રાજપૂત(રાઠોડ-ડોટ) રાજસ્થાનમાં પણ અલગ અલગ ગુનામાં સંડોવાયેલો છે. જેમાં ગિરાબ, શિવ, રામપર, ગડરા રોડ પોલીસ સ્ટેશનમાં ધાડ,-લૂંટ, ચોરી, આર્મ એકટ અને ખૂનની કોશિશ જેવા કુલ નવ ગુનાઓમાં સંડોવાયેલો છે.


અગાઉ ઝડપાયેલા બે આરોપીઓ

1. રાવતા મેલાભાઇ રબારી રહે. કેસુવા

2. માલસિંગ ભીંમસિંગ ખીંચી (રાજપૂત) રહે. શૈયલા ગિરાબ (જિ.બાડમેર, રાજસ્થાન)

ઇતની બડી બેંક હૈ...ઇતના હી પૈસા કયું...?

ઇકબાલગઢ એસબીઆઇ બેન્કમાં ૩૮ વર્ષ પહેલા થયેલી લૂંટ વખતે ટેન્કમાં સેવક તરીકે ફરજ બજાવતા મગનભાઈ રાવલે બી.કે.ન્યૂઝ દૈનિક સાથે વાત કરી હતી. તે વખતની લૂંટની આ ઘટના તેમના શબ્દોમાં જ જોઈએ....''એ દિવસે ૬ થી ૭ ધાડપાડુઓ સીધા જ બેંકમાં ઘુસી ડંડા વડે મારવા જ માંડ્યા હતા અને પૈસા નિકાલો....પૈસા નિકાળો....કહેતા હતા. પછી કેશિયરને બોલાવી તેને લાત મારી હતી. ધાડપાડુઓએ ધમકાવી બેંકના બધા સ્ટાફને નીચે બેસાડી દીધો હતો અને સીધા અંદર ગયા હતા. મેનેજરને બંદૂક મારી અને ચલો જલ્દી કેશ નિકાલો... તેવી બુમો પાડતા અમે કેશિયરને અંદર મોકલી લૂંટારાઓને પૈસા કાઢીને દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. જે ચાદર પાથરીને તેમાં મૂકીને આટલા જ રૂપિયા જોઈ ગુસ્સે ભરાયેલા ધાડપાડુઓ બોલ્યા..ઇતની બડી બેંક હૈ... ઓર ઈતના હી પૈસા ક્યુ ? કહીને બધા જ કબાટ એમને ફેંદી કાઢ્યા હતા. પછી ૪:૩૦ વાગ્યા જેવો સમય થયો એટલે બહાર નીકળ્યા હતા. ત્યારે મને જતા જતા ગોળી મારી પરંતુ હું નીચે બેસી જતા ગોળી મારા માથા ઉપરથી નીકળી ગઈ હતી. ધાડપાડુઓ બેંકમાં અડધો કલાક રોકાયા હતા. આ પહેલા કોન્સ્ટેબલ શિવદત્ત શર્માને પણ તેમને ગોળી મારી દીધી હતી. જેથી બેંકની સામે રહેતા લોકો ફફડીને ઘરના બારણા બંધ કરી અંદર જતા રહ્યા હતા. આ ઘટના આજે પણ યાદ આવે છે.


ગ્રામ પંચાયતે પોલીસકર્મી શિવદત્ત શર્માનું સ્મારક બનાવ્યુંઈ

કબાલગઢની સ્ટેટ બેંકમાં ૩૮ વર્ષ પહેલા લૂંટ સમયે ધાડપાડુઓ સામે વીરતાપૂર્વક ઝઝૂમતા શહીદ બન્યા થયા હતા. તેમની સ્મૃતિમાં ઇકબાલગઢ ગ્રામ પંચાયતે લૂંટના એક વર્ષ પછી સ્મારક બનાવ્યું હતું. પરંતુ આ સ્મારકની સાર સંભાળ લેવાતી નથી. તેની ચારે તરફ ગંદકી જોવા મળે છે. ઇકબાલગઢ ગ્રામ પંચાયતે શહીદનું સન્માન અને મર્યાદા સચવાઈ રહે તે માટે કાર્યવાહી કરવાની જરૂર છે.


Download Our B K News Today App



Related News