લોકડાઉનના સમયમાં પણ બનાસડેરીમાં પશુપાલકો ભરાવી રહ્યા છે દૈનિક ૫૯ લાખ લીટર દૂધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-14 11:40:52
  • Views : 968
  • Modified Date : 2020-05-14 11:40:52

કોરોના વાયરસના લીધે સમગ્ર વિશ્વ અત્યારે સંકટમાં છે. કોરોના સંક્રમણને અટકાવવા તથા પોઝીટીવ રિપોર્ટ ધરાવતા દર્દીઓની સારવાર માટે સરકાર દ્વારા સમગ્ર દેશમાં યુધ્ધના ધોરણે દિવસ-રાત વ્યાપક પ્રયાસો ચાલી રહ્યા છે. સરકારના આ વિરાટ પ્રયાસોને સફળતા પણ મળી રહી છે.
કોરોના સંદર્ભે સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે લોકડાઉન દરમ્યાન તેની ચુસ્ત રીતે અમલવારી થાય તથા લોકોને પણ કોઇ તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા ઝીણવટભર્યુ આયોજન અને સરસ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના
પશુપાલકોએ મબલખ દૂધ ઉત્પાદન કરીને ભારતમાં જ નહી પરંતુ સમગ્ર એશિયા ખંડમાં જિલ્લાનું નામ રોશન કર્યુ છે. લોકડાઉનના સમયમાં પણ જિલ્લાના પશુપાલકો કોઇ મુ્શ્કેલી વગર ડેરીમાં દૂધ ભરાવી શકે તે માટે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીની સુચના અને માર્ગદર્શન અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં આવેલ દૂધ સહકારી મંડળીઓ એટલે કે દૂધની ડેરીઓ સુધી ખાસ સુવિધા કરવામાં આવી છે. દૂધ ભરાવવા આવતા પશુપાલકો ડિસ્ટન્સ જાળવીને, મોઢે માસ્ક બાંધીને, હાથને સેનીટાઇઝ કરીને દૂધ ભરાવે છે. બનાસડેરી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ દૂધ મંડળીઓને તથા ગામોમાં દવા છંટકાવ કરીને સેનીટાઇઝ કરવામાં આવે છે. અત્યારે લોકડાઉનના સમયમાં બનાસ ડેરીના ૩,૬૬,૪૨૭ સભાસદો દૈનિક ૫૯ લાખ લીટર દૂધ બનાસડેરીમાં ભરાવે છે. જેના બદલામાં બનાસડેરી દ્વારા મહિને રૂ. ૭૨૬ કરોડ
પશુપાલકોને દૂધના ચુકવવામાં આવે છે. બનાસડેરી દ્વારા દેશભરમાં અને વિદેશો સુધી દૂધ અને દૂધની વિવિધ બનાવટોનું વેચાણ કરવામાં આવે છે. સમગ્ર દેશમાં દરરોજનું ૨૫.૩૩ લાખ લીટર દૂધ અમૂલ બ્રાન્ડના નામથી વેચાણ કરવામાં આવે છે. બનાસડેરીના ગુજરાત અને રાજસ્થાનના ૨૦૦ જેટલા દૂધ વિતરણ કેન્દ્રો પરથી રોજનું ૧.૫૩ લાખ લીટર દૂધ વેચાય છે. આ ઉપરાંત બનાસડેરી દ્વારા યુ.એચ.ટી. દૂધની નિકાસ હોંગકોંગ અને સિંગાપોરમાં કરવામાં આવે છે. જયારે ઘીની નિકાસ દુબઇ (ેંછઈ) અબુધાબી, ઓસ્ટ્રેલિયા, કતાર, કેનેડા, ઓમાન, શારજાહ, મ્યાનમાર, કુવૈત, દોહા, બહેરીન, ફિલીપાઇન્સ, નેપાળ વગેરે દેશો કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News