હવામાન વિભાગની આગાહી બે દિવસ માવઠાની દહેશતથી ખેડૂતોમાં ઉચાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 10:57:18
  • Views : 334
  • Modified Date : 2021-01-02 10:57:18

બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી બીજી તારીખથી ચાર તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને પગલે  જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. અને વરસાદથી ખેડૂતોના જાનમાલને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી બેથી ચાર તારીખ સુધીમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. અને તમામ નાયબ કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને માર્કેટયાર્ડ સહિત તમામ વિભાગને આ ત્રણ દિવસ દરમિયાન સજ્જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે જિલ્લામાં આવેલા ૧૪ માર્કેટયાર્ડમાં પણ ખેડૂતોના પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યુ છે. જેને
પગલે તમામ માર્કેટયાર્ડમાં ખેડૂતોના માલ રાખવા માટે શેડની વ્યવસ્થા, ખેડૂતોને માહિતી મળે તે માટે માઇક દ્વારા એનાઉન્સ કરાવી ખેડૂતોને આ બે દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી તેમની જણસ માર્કેટમાં ન લાવે તે માટે જણાવવામાં આવ્યું છે. ગત વર્ષે વારંવાર અચાનક કુદરતી આફતોના કારણે બનાસકાંઠા જિલ્લાની અંદર અનેક ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ વરસાદથી ખેડૂતોનો માલ
પલળી જતા તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારે આ વખતે વરસાદના કારણે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તંત્રએ પુરતી તૈયારીઓ કરી દીધી છે.

Download Our B K News Today App



Related News