પાલનપુરમાં શિવનગરથી હાઇવેને જોડતા રસ્તાના દબાણો દૂર કરવા માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-28 12:04:35
  • Views : 486
  • Modified Date : 2020-06-28 12:04:35

પાલનપુરમાં શિવનગર અને શક્તિનગર સોસાયટીથી અંબાજી હાઈવેનો રસ્તો ભંગાર બની ગયો છે. આ રસ્તે કેટલાક દબાણકારોએ કાચા તેમજ પાકા બાંધકામો કરી નાખ્યા છે. બીજી તરફ ગંદાપાણીના ખુલ્લા નાળાના કારણે લોકોના
સ્વાસ્થ્યને પણ અસર થવાની સંભાવના છે. આ સમસ્યાઓને લઈને આ વિસ્તારના રહીશોમાં રસ્તાના દબાણો દૂર કરીને નવો રસ્તો બનાવવાની માંગ ઉઠી છે.
પાલનપુર શહેરના શક્તિનગર અને શિવનગર સોસાયટીથી અંબાજી હાઈવેને જોડતા રસ્તા ઉપર અગાઉ ગાબડા પડી જવાના કારણે જોખમી બની ગયો હતો. ત્યારે પાલિકાતંત્ર એ તોતિંગ ખાડાઓમાં માટીનું પુરાણ કરી થીંગડા માર્યા હતા. હવે આ વખતે પણ ચોમાસુ માથા પર છે. ત્યારે આ જાહેરમાર્ગનું નવીનીકરણ કરવાની માંગ ઉઠી છે. જેથી આ માર્ગ વરસાદની સિઝનમાં જોખમકારક ન બને. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે હાઇવેને જોડતો આ મહત્વનો રસ્તો છે. આ વિસ્તારના રહીશોની પણ અવરજવર રહે છે. અગાઉ નાળુ બંધ કરવા માટે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ
પગલા લેવાયા નથી. જ્યારે આ વિસ્તારમાં દબાણો પણ તોડવામાં આવ્યા નથી કે ખુલ્લી ગટરો પણ બંધ કરવામાં આવી નથી. વળી ખુલ્લા નાળાઓમાં ભૂગર્ભ ગટરના સ્ટ્રક્ચર ઉભા કરી નાખ્યા હોવાથી ગંદકીના કચરાનો ઢગલો થઈ ગયો છે. જેને લઇને આ વિસ્તાર ગંધાઈ ઉઠયો છે. જેથી ખુલ્લા નાળાની ભૂગર્ભ ગટરની લાઈનને સાઈડમાં કરી નાળુ બંધ થાય તેમજ તેની સામેની સાઈડમાં રસ્તામાં થયેલા કાચા અથવા
પાકા દબાણો તોડી નવો રસ્તો બનાવવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોની માંગ ઊઠી છે.

Download Our B K News Today App



Related News