મહારાષ્ટ્રમાં 11 લોકોનાં મોત, 6349 ગામ અસરગ્રસ્ત; વાવાઝોડાની સૌથી વધુ અસર મુંબઈમાં, અનેક વૃક્ષો થયાં ધરાશાયી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-18 16:58:44
  • Views : 233
  • Modified Date : 2021-05-18 16:58:44

    મહારાષ્ટ્રમાં 11 લોકોનાં મોત, 6349 ગામ અસરગ્રસ્ત; વાવાઝોડાની સૌથી વધુ અસર મુંબઈમાં, અનેક વૃક્ષો થયાં ધરાશાયી. ચક્રવાતી વાવાઝોડું તાઉ-તેએ મહારાષ્ટ્રમાં ભારે વિનાશ સર્જીને આગળ નીકળી ગયું છે. આ વાવાઝોડાથી 6,349થી વધુ ગામોને અસર થઈ છે. 11 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ પામનારામાં 4 રાયગઢ જિલ્લાના રત્નાગિરિ અને થાણેથી 2-2, સિંધુદુર્ગ અને ધુલેથી 1-1 છે. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.


    અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ફક્ત સિંધુદુર્ગ જિલ્લામાં 5.77 કરોડથી વધુનું નુકસાન થયું છે. મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરિ જિલ્લામાં નુકસાન પ્રારંભિક માહિતી આવવાની બાકી છે. મુંબઈમાં 479 સ્થળે વૃક્ષો પડી ગયાં છે અને 60થી વધુ સ્થળોએ ટ્રાફિકને અસર થઈ છે. સેંકડો વાહનોને નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાને કારણે લોકલ, મોનો રેલ અને ફ્લાઇટ્સને પણ અસર થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તાઉ-તેના કારણે મુંબઇમાં 114 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે.મહારાષ્ટ્રના ઊર્જામંત્રી નીતિન રાઉતે કહ્યું હતું કે વાવાઝોડાને કારણે થાણે, સિંધુદુર્ગ, રત્નાગિરિ, રાયગઢ, પુણે, પાલઘર અને કોલ્હાપુરમાં કુલ 188 ઇલેક્ટ્રિક સબ સ્ટેશનને નુકસાન થયું છે. એ બધામાંથી 133 સબ સ્ટેશનોને સોમવારે રાત્રે 9 વાગ્યે રિપેર કરવામાં આવ્યાં હતાં. 1,095 ફિડર્સને પણ નુકસાન થયું છે. એમાંથી 656 રિપેર કરાયાં હતાં.

    ઊર્જા વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવાતી વાવાઝોડાથી 6349 ગામમાં વીજપુરવઠાને અસર થઈ હતી. તેમાંથી 2,689 ગામમાં સુવિધા ફરીથી શરૂ કરવામાં આવી છે. હજી પણ વાવાઝોડાથી અસરગ્રસ્ત 16,001 ડીટીસી, 119 હાઇટેન્શન અને 209 લો-ટેન્શનની લાઇનો સુધારવાનું કામ ચાલી રહ્યું છે.મુંબઇમાં કુલ 479 સ્થળે વૃક્ષો પડી ગયાં હતાં. બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઈ શહેરમાં 156 સ્થળે, પૂર્વ ઉપનગરમાં 78 અને પશ્ચિમ ઉપનગરમાં 243 સ્થળે વૃક્ષો ધરાશાયી થયાંની ફરિયાદો મળી છે. આ દરમિયાન કુલ 17 શોર્ટસર્કિટની પણ ફરિયાદો હતી. શહેરમાં 6, પૂર્વ ઉપનગરમાં 2 અને પશ્ચિમ ઉપનગરમાં 9 સ્થળે શોર્ટસર્કિટની ઘટનાઓ બની છે.


    મહાવિકાસ આઘાડી સરકારના મુખ્ય ઘટક દળ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નસીમ ખાને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મહેસૂલમંત્રી બાલાસાહેબ થોરાટ અને મંત્રી વિજય વડેટ્ટીવારને પત્ર લખી વાવાઝોડાથી અસરગ્રસ્તોને મદદ કરવા માગ કરી છે. ખાને જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે સિંધુદુર્ગ, રત્નાગિરિ અને રાયગડ જિલ્લાનાં કેરી અને કેળાંનાં ઉત્પાદન કરતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોનાં ઘરોને નુકસાન પહોંચ્યું છે.


Download Our B K News Today App



Related News