વાવાઝોડું 290 કિમી દૂર છે પણ દ્વારકામાં તોફાની પવન સાથે વરસાદની ધડબડાટી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 17:15:04
  • Views : 107
  • Modified Date : 2023-06-13 17:15:04

ગુજરાત પર મંડરાઇ રહેલા બિપરજોય વાવાઝોડાના ખતરાની અસર વર્તાવાનું શરૂ થઇ ચૂક્યું છે. જે વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળશે તેવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમીધારથી લઇને સાંબેલાધાર વરસાદ શરૂ થઇ ચૂક્યો છે. તો કેટલાક સ્થળોએ પવનની ગતિ પણ તેજ બની રહી છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે આફતરૂપ બની રહ્યું છે. જેમાં વાવાઝોડા પહેલા જ દ્વારકામાં મૂશળધાર વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે વરસાદને કારણે દ્વારકા શહેરમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. જો કે દ્વારકામાં તંત્ર દ્વારા સતત નિચાળવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી ચૂકી છે. દ્વારકાના હર્ષદના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, અહીં હર્ષદ ખાડીમાં પાણીનું સ્તર ઊંચુ આવ્યું છે. તો ભારે પવનના કારણે અહીં દુકાનોના પતરા ઉડ્યા હતા. આ સિવાય પોરબંદર, ખંભાળિયા સહિતના પંથકમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થઇ ચૂક્યું છે. કચ્છ-માંડવીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અહીં ભારે પવન ફૂંકાતા લોકોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. તો ગીર સોમનાથમાં વાવાઝોડાને કારણે જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર ગઢડા અને ગીર જંગલમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જામનગરમાં બે દિવસથી વરસાદના એક પછી એક ઝાપડા ચાલુ થઇ ચૂક્યા છે. જામનગરના ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં કાલાવડ, લાલપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ઉપલેટામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં મોજીરા, સેવંત્રા, કેરાળા, વાડલા, ખાખી જાળીયા ગામમાં વરસાદ નોંધાયો છે. આ સિવાય અમરેલીમાં પણ વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઇ ચૂકી છે. ખાંભા-ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. જેમાં નાનીધારી, નાના વિસાવદર, લાસામાં વરસાદ નોંધાયો છે. અત્યારસુધીમાં અમરેલી જિલ્લામાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News