બે દિવસથી ભીડ:ચંડીસરની એચપીસીએલ કંપનીએ પેટ્રોલ ડીઝલમાં 80 ટકા કાપ મૂકી દેતાં બનાસકાંઠામાં અછત સર્જાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-17 10:53:57
  • Views : 272
  • Modified Date : 2022-06-17 10:53:57

 

થરાદ,વાવ,સુઈગામના પેટ્રોલપંપો ઉપર છેલ્લા એક અઠવાડીયાથી ડીઝલ-પેટ્રોલની અછતને લઈ ગ્રાહકોની લાઈનો લાગી હતી.

સિધ્ધપુર બીપીસીએલ કંપનીએ 20 ટેન્કર કંડલા મોકલ્યા,કેટલાક પંપ પર બેરલ ભરવા લોકો આવતા સંચાલકોએ મર્યાદા નક્કી કરી, પુરવઠા વિભાગે કહ્યું પૂરતો સ્ટોક છે

બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ -ડીઝલ પંપ ઉપર બે દિવસથી ભીડ સર્જાઇ રહી છે. ખેતીની સિઝન હોવાથી ખેડૂતો બેરલ લઈને ડીઝલ ભરાવવા માટે પંપ પર આવી રહ્યા છે. જેના લીધે જે પંપ દૈનિક 2થી3 હજાર લિટર વેચાણ કરતું હતું તેનું વેચાણ વધીને 8-10 હજાર લિટર થઇ ગયું છે. જિલ્લામાં આવેલા પંપ પર એચપીસીએલ , બીપીસીએલ અને આઈઓસી કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલનો પુરવઠો આપવામાં આવે છે

જેમાં હાલમાં બીપીસીએલ દ્વારા આપવામાં આવતા જથ્થામાં થોડો આઠ દસ ટકા કાપ મૂકાયો છે.પુરવઠાની પહોંચી વળવા માટે કંડલા સુધી વધારાના ટેન્કર દોડાવીને ડીઝલ ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ એ જણાવ્યું હતું કે "છેલ્લા એક સપ્તાહથી ચંડીસર સ્થિત આવેલા એચપીસીએલ પ્લાન્ટ પરથી સો ટકા માંથી 80-90 ટકા કાપ મુકાઈ ગયો છે.

સિદ્ધપુરની બીપીસીએલ કંપની પંપ પર વ્યવસ્થા કરવા માટે આયોજન કરે છે. આઈઓસી કંપનીએ હજુ એક પણ દિવસ કાપ મૂક્યો નથી. અને પુરવઠો સતત ચાલુ રાખ્યો છે." જિલ્લાના કેટલાક પંપ સંચાલકોએ ખેડૂતો બિનજરૂરી બેરલ લઈને ડીઝલ ભરાવવા આવી જતા મર્યાદા મૂકી છે અને જરૂરિયાત પૂરતું જ ડીઝલ લઇ જવા પર ભાર મુકાયો છે.

એક્સ્ટ્રા ડીઝલ આપવાનું કેટલાક સંચાલકોએ બંધ કર્યું છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર જે સંચાલકો અગાઉ ક્રેડિટ પર ડીઝલ પેટ્રોલની ખરીદી કરતા હતા તેઓની ક્રેડિટ લિમિટ બંધ થવાથી સ્થિતિ સર્જાઈ છે.ડેપોમાં ઘટની સ્થિતિ નથી. જિલ્લા પુરવઠા અધિકારી આર.કે પટેલે જણાવ્યું હતું કે " બનાસકાંઠા જિલ્લામાં કેટલાક પંપ પર ડીઝલ પેટ્રોલની કમીના સમાચાર છે પરંતુ વ્યવસ્થા થઇ જશે ચિંતાની કોઈ વાત નથી.

એસ્સાર-નાયકા અને રિલાયન્સ પંપ પર ડીઝલ મળતા બંધ
ડીઝલના વધતા ભાવો ના પગલે એસ્સાર-નાયકા અને રિલાયન્સ પંપ પર ડીઝલનું વેચાણ બંધ થઈ જતાં વાહનચાલકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

રિટેલ પંપ પરથી ખરીદી કરતા ઉપાડ વધ્યો
અગાઉ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસો, મોટા કોન્ટ્રાક્ટરના તમામ વાહનો, એ સીધા ચંડીસર કે સિદ્ધપુર સ્થિત આવેલા કંપની પ્લાન્ટમાંથી ડીઝલ ભરાવતા હતા જેવો હવે રીટેઇલ પંપ પરથી ઈંધણ ભરાવતા ઉપાડ વધી ગયો છે.

 

Download Our B K News Today App



Related News