ક્રિકેટર જાડેજાનાં પત્ની ભાજપમાંથી અને બહેનનો કોંગ્રેસમાંથી પ્રચાર, કહ્યું- પોલિટિક્સ પોલિટિક્સની જગ્યાએ, પારિવારિક સંબંધ પરિવારની જગ્યાએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-16 12:22:12
  • Views : 433
  • Modified Date : 2021-02-16 12:22:12

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. આ ચૂંટણીમાં આખું ઘર અને પરિવાર પ્રચારમાં લાગી ગયાં હોય એવા અનેક કિસ્સા જોવા મળી રહ્યા છે, પરંતુ એક જ પરિવારમાં જાણીતી બે મહિલા અલગ અલગ પક્ષ માટે પ્રચાર કરે એવું માત્ર રાજકોટ- સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપમાંથી પ્રચાર કરે છે તો બહેન નયનાબા જાડેજા સામાન્ય લોકો વચ્ચે શેરી-ગલીઓમાં પ્રચાર કરી રહી છે. નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે પોલિટિક્સ પોલિટિક્સની જગ્યાએ અને પારિવારિક સંબંધ પરિવારની જગ્યાએ હોય છે.

    નયનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે હાલ હું જામનગરમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહી છું. મૂળ ગામ જામનગર હોવાથી ત્યાં પ્રચાર કરવાનું પસંદ કર્યું છે. જરૂર પડશે તો હું રાજકોટમાં પણ પ્રચાર કરીશ. રાજકારણ.. રાજકારણની જગ્યાએ હોય, પક્ષના હિતમાં કામ કરવાનું હોય છે. પછી અમે નણંદ-ભાભી મળીએ ત્યારે રાજકારણની ચર્ચા પણ કરતા નથી.

    જોકે આ મુદ્દે રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાએ મૌન સેવ્યું હતું અને પાર્ટી માટે કામ કરી રહી છું એવું જણાવ્યું હતું. તાજેતરમાં જ કોંગ્રેસના ગઢ ગણાતા રાજકોટના વોર્ડ નં.3માં ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપની વિચારધારા સાથે છું એટલે ભાઇને સમર્થન કરવા આવી છું. આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટરે કામ કર્યાં નથી. ભાજપે 85 લાખની ગ્રાન્ટ વાપરી છે. આ વોર્ડમાં કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા સામે ભાજપના નરેન્દ્રસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે.

    ક્ષત્રિય સમાજના સંમેલનમાં રીવાબા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના મહાસંમેલનનું આયોજન અમે કર્યું છે. હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું ત્યારે મતદારોને મારી એટલી અપીલ છે કે આપણા વોર્ડ નં.3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા અને બીજા ત્રણ સભ્યને પણ મત આપી ભાજપને વિજયી બનાવીએ. આ પ્રચાર ન કહી શકાય, પરંતુ અમારી ભાઇ-બહેન તરીકેની લાગણી છે, આથી હું મારા ભાઇના સમર્થનમાં આવી છું. હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કાયમી જોડાયેલી રહીશ.

    રીવાબા જાડેજા સમાજના સંમેલનમાં વધારે જાય છે. સમાજ પ્રત્યે તેઓનો લગાવ વધારે છે. ભાજપ દ્વારા આયોજીત ક્ષત્રિય સમાજના સંમેલનમાં તેઓ જોડાયા હતા. રાજકોટના વોર્ડ નં.3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને તેઓ ભાઇ માને છે અને તેમના પ્રચારમાં જોડાયા છે. જ્યારે નયબા જાડેજા જામનગરમાં કોંગ્રેસ પાર્ટી તરફથી બધા ઉમેદવારોના સમર્થનમાં પ્રચારમાં જાય છે.


Download Our B K News Today App



Related News