કોરોના સંક્રમિત દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહેશે ડીસામાં વધુ એક કોવિડ-૧૯ હોસ્પિટલ ખુલ્લી મુકાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 10:51:38
  • Views : 791
  • Modified Date : 2020-08-08 10:51:38

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ગુજરાતની બીજા નંબરની કોરોના વાયરસ માટે જનતા હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલ શરૂ થતા મોટાભાગે કોરોના વાયરસના દર્દીઓને સારી સુવિધાઓ મળી રહેશે.
હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોમાં વધેલા સંક્રમણના કારણે દિવસેને દિવસે મોટી સંખ્યામાં કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ગુજરાતભરમાં આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા હવે સ્થાનિક કક્ષાએ હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવી છે. અગાઉ ગુજરાતમાં સુરત જનતા હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જ્યાં કોરોના વાયરસના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા અને પાલનપુરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણના કારણે વહીવટી તંત્ર દ્વારા ડીસા ભણસાલી હોસ્પિટલ અને પાલનપુર બનાસ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. પરંતુ સતત વધી રહેલા કેસોના કારણે ગુજરાત સરકાર દ્વારા અન્ય ખાનગી હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવી હતી. જે બાદ બનાસકાંઠા જિલ્લામાં રોજના ૨૫ થી પણ વધુ કોરોના વાયરસના કેસો આવતા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા જનતા હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. આ હોસ્પિટલ કોરોના વાયરસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકે તેમ છે. ડીસા ખાતે શરૂ થયેલી જનતા હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. હોસ્પિટલમાં ૬૫ સાદા રૂમ અને ૫૦ આઇસીયું રૂમ મળીને કુલ ૧૧૫ રૂમની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાતની ખ્યાતનામ શિંગર કિંજલ દવે, જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે, ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સહિત જિલ્લામાંથી ભાજપના કાર્યકર્તાઓ અને વહીવટી તંત્ર હાજર રહી હોસ્પિટલને ખુલ્લી મૂકી હતી.
આ અંગે  કિંજલ દવેએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે પ્રમાણે કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેને રોકવા માટે લોકોએ જાતે જાગૃત થવું પડશે અને લોકોએ ફરજિયાત માસ્ક, સેનીટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ રક્ષણ કરવું પડશે. તો બીજી તરફ જનતા હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપવાની શરૂઆત કરતા ડીસાવાસીઓ તેમજ આજુબાજુના અનેક વિસ્તારોના ગરીબ દર્દીઓને સારી સારવાર પણ મળી રહેશે. જેના કારણે ખાનગી હોસ્પિટલમાં જે મોટા ખર્ચે લોકોને સારવાર લેવી પડતી હતી તે હવે આ હોસ્પિટલમાં નિઃશુલ્ક મળી રહેશે.

Download Our B K News Today App



Related News