1 લાખ 20 હજારનો જથ્થો અમદાવાદ સિવિલ અને 96 હજાર ડોઝ ગાંધીનગર સિવિલ પહોંચ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 12:28:28
  • Views : 284
  • Modified Date : 2021-01-12 12:28:28

    પુણેની સીરમની કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી છે. વેક્સિનના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આરોગ્યસચિવ જયંતી રવિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ એને અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી રહી છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 લાખ 76 હજાર જેટલો જથ્થો અત્યારે આવ્યો છે, જેમાં અમદાવાદ માટે 1 લાખ 8 હજાર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.

    11 વાગે વેક્સિન અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જ્યાં એરપોર્ટ પર વેક્સિનને વધાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ અને સિવિલ હોસ્પિટલના અધિકારી હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર આવી વેક્સિનનાં વધામણાં કર્યાં હતાં. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેસીપી ગૌતમ પરમાર, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

    જ્યારે ભરૂચમાં 14-15 જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટ આવશે, જેને આરોગ્ય શાખાના વેક્સિનેશન સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવશે. ત્યાર બાદ 16 જાન્યુઆરીએ જિલ્લામાં 7 કેન્દ્રો પર 700 આરોગ્યકર્મચારીને કોરોના વેક્સિન આપવામાં આવશે.કોરોના રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડિયો-કોન્ફરન્સ યોજી હતી. આમાં ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી તથા વિગતો મુખ્યમંત્રી રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનને સવિસ્તર આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

    તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઈ રહ્યું છે. ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.

    મુખ્યમંત્રીએ આગળ કહ્યું હતું કે ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં લગભગ 16 હજારથી વધુ હેલ્થવર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.

    મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રીજનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાની સાધન-સામગ્રી ગુજરાતને મળી છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળ ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વેક્સિન સેન્ટર ઉપર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. એક વેઇટિંગ રૂમ એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે પણ અલાયદો ઓબ્ઝર્વેશન રૂમ તેૈયાર રખાયો છે.



Download Our B K News Today App



Related News