શહેરના 16,500 સહિત કુલ 77 હજાર ડોઝનું ફૂલહાર, સંગીતના સથવારે સ્વાગત, સંભવતઃ શનિવારે પ્રથમ રસી અપાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 11:44:25
  • Views : 284
  • Modified Date : 2021-01-13 11:44:25

    કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. કૃષિમંત્રી આર.સી. ફળદુએ શ્રીફળ વધેરી વેક્સિનનું સ્વાગત કર્યુ હતું. તેમજ ગીત-સંગીત, તાળીઓ અને ફૂલહારથી વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંભવતઃ શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રીજનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે. અહીં 20 લાખ વેક્સિનના જથ્થાના સ્ટોરેજની કેપેસિટી છે, સાથે જ જ્યાં વેક્સિન સ્ટોરેજ છે એ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે.વેક્સિનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ હવે એને અલગ અલગ જિલ્લાને ફાળવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જે માટે જે-તે જિલ્લા અને મનપાની ટીમ હાજર રહેશે અને રાજ્ય સરકારની સૂચના બાદ વેક્સિનની ફાળવણી કરવામાં આવશે. રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર ખાતે વેક્સિન મોકલવામાં આવશે.


    કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના પ્રધાનમંત્રીની ઉતકૃષ્ટ ભાવના હતી કે દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે. જે ગર્વની બાબત છે. આ રસીના ઉપયોગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. આજે રાજકોટ ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે.જ્યારે ભરૂચમાં 14-15 જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટ, જેને આરોગ્ય શાખાના વેક્સિનેશન સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવશે. ત્યાર બાદ 16 જાન્યુઆરીએ જિલ્લામાં 7 કેન્દ્ર પર 700 આરોગ્યકર્મચારીને કોરોના વેક્સિન આપવામાં આવશે.

    સિવિલ હોસ્પિટલ કેમ્પસના રીજનલ વેક્સિન સ્ટોરના વિભાગીય નાયબ નિયામક ડો. સતીષ મકવાણાએ કહ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સિનના આવેલા કુલ 1 લાખ 20 હજારનાં જથ્થામાંથી અમદાવાદ કોર્પોરેશન સહિત સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાં મળીને 1 લાખ 11 હજાર વેક્સિનનો જથ્થો મોકલી અપાયો છે, જ્યારે બાકીનો 9 હજાર વેક્સિનનો જથ્થો વેક્સિન સ્ટોર્સમાં બફર સ્ટોક તરીક રખાયો છે, જે જરૂર પડે ઉપયોગમાં લેવામાં આવશે.


    વેક્સિનને લઈને જતી કારને પોલીસ-સુરક્ષા પણ અપાઈ હતી. ગાંધીનગર મોકલેલાં 13માંથી 5 બોક્સ એટલે કે 60 હજાર વેક્સિનના ડોઝ બુધવારે ભાવનગર મોકલાશે, જ્યારે 96 હજાર ડૉઝ ગાંધીનગર શહેર અને જિલ્લા માટે ફાળવાયા છે. એ જ રીતે પ્રથમ તબક્કામાં બુધવારે પુણેથી કોલ્ડ ચેન દ્વારા વિશેષ વાહનમાં વેક્સિનના 93500 ડૉઝ સુરત, 94500 ડોઝ વડોદરા અને 77000 ડૉઝ રાજકોટ રીજનલ કોલ્ડસ્ટોરેજ પહોંચાડાશે. આ તમામ રીજનલ કોલ્ડસ્ટોરેજમાંથી 16મીએ રાજ્યભરમાં તૈયાર કરાયેલાં 20 હજાર વેક્સિનેશન કેન્દ્રો પરથી કોરોના વૉરિયર્સ અને ત્યાર બાદ ફ્રન્ટલાઈન વર્કર્સને અપાશે. આરોગ્ય કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અને સુરક્ષાકર્મચારીઓ બાદ 50 વર્ષથી ઓછી ઉંમરના, પરંતુ અન્ય ગંભીર બીમારી ધરાવતા લોકો અને ત્યાર બાદ 50 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને વેક્સિન અપાશે.

    16મીએ વેક્સિનેશનની કામગીરી શરૂ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યનાં 287 વેક્સિનેશન કેન્દ્રો પર વિડિયો-કોન્ફરન્સથી નિરીક્ષણ કરવાની સાથે ત્યાંના આરોગ્યકર્મીઓ સાથે સંવાદ પણ કરશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે સીધો સંવાદ કરી તેમને પ્રોત્સાહન આપશે, એમ નીતિન પટેલે જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News