રાજકોટમાં કોરોનામાં મોત થયાના 30 કલાક બાદ પરિવારને સ્વજનનો મૃતદેહ મળ્યો નથી, પરિવારે સિવિલે 10 ધક્કા ખાધા!.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 16:59:41
  • Views : 259
  • Modified Date : 2021-04-12 16:59:41

    રાજકોટ શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક બાદ એક કોરોનાથી ટપોટપ દર્દીના મૃત્યુ થઇ રહ્યાં છે. રાજકોટમાં કોરોનામાં મૃત્યુ થયા પછી પણ સ્વજનનો મૃતદેહ 30-30 કલાક સુધી સોંપવામાં આવતો નથી. મોટા પ્રમાણમાં તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયાના 30 કલાક બાદ પણ મૃતદેહ ન સોંપવામાં આવતા પરિવારજનો મુશ્કેલીમાં મૂકાયા છે. પરિવાર પોતાના સ્વજનનું અંતિમ મોઢુ જોવા માટે અને અંતિમસંસ્કાર કરવા માટે સિવિલ હોસ્પિટલે 10 ધક્કા ખાધા પણ મૃતદેહ મળ્યો નથી.

    રાજકોટ સમરસ હોસ્ટેલ ખાતે મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહને મૃત્યુના 30 કલાક બાદ પણ પરિવારને સોંપવામાં ન આવતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજન યશરાજ ડોડિયાએ જણાવ્યું હતું કે, પરમદિવસે મારા કાકાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાદમાં કેન્સર હોસ્પિટલમાં એડમિટ કરવાનું કહી સમરસ હોસ્ટેલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સ્ટાફ દ્વારા દર્દીની પરિસ્થિતિ સારી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ માત્ર એક જ કલાકના સમયમાં દર્દીનું મૃત્યુ થયા હોવાનું કહેતા પરિવારજનો તંત્રની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે.

    જોકે ત્યારબાદ પણ પરિવારજનો મૃતદેહ લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પરંતુ સિવિલના સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે, મૃતદેહ અહીં પહોંચ્યો નથી. આથી પરિવારજનો સમરસ હોસ્ટેલ ખાતે પહોંચ્યો હતો. સમરસ હોસ્ટેલના સ્ટાફે સિવિલ હોસ્પિટલ મૃતદેહ મોકલવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આથી પરિવારજનો મૃતદેહ મેળવવા માટે સિવિલ અને સમરસ હોસ્ટેલ વચ્ચે ધક્કા ખાય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 42 દર્દીના મૃત્યુ થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે.

    કોરોનાગ્રસ્ત દર્દીના બીજા એક સ્વજન ભાવેશભાઇ દાણીધારીયાએ જણાવ્યું હતું કે, કાલે સાંજે છ વાગ્યે મારા બનેવીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આથી તેને સિવિલમાં લઇ ગયા હતા. 2 વાગ્યાનો હું એમ્બ્યુલન્સને ફોન કરતો હતો ત્યારે છ વાગ્યે એમ્બ્યુલન્સ આવી હતી. સિવિલમાંથી કહ્યું કે આને સમરસમાં લઇ જાવ. એમ્બ્યુલન્સ આગળ જતી રહી અને અમે પાછળ રહી ગયા હતા. સમરસ પહોંચી અમે સ્ટાફને કહ્યું કે અમારા બનેવીને અંદર લઇ ગયા છે, ભલે બે-ત્રણ દિવસ દાખલ કરવા પડે પણ અમારે તેને ચાદર અને મોબાઇલ દેવો છે. આથી સ્ટાફે કહ્યું કે સાડા આઠ વાગ્યે આવજો. સાડા આઠે ગયા તો કહ્યું કે સવારે નવ વાગ્યે આવજો. આજે નવ વાગ્યે આવ્યા છતાં અમને ખબર નથી કે અમારા બનેવી ક્યાં છે.

    રાજકોટના પરસાણાનગરમાં રહેતા સચિન ઝાલાએ જણાવ્યું હતું કે, મારા મામાને કાલે 8 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાદમાં સિવિલ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તમારા મામાને અમે સમરસ હોસ્ટેલમાં દાખલ કરી રહ્યાં છીએ. આજે સવારે અમે નાસ્તો દેવા સમરસ આવ્યા તો કહેવામાં આવ્યું કે તમારા મામા અહીં નથી. પછી અમને કેન્સર હોસ્પિટલ મોકલ્યા તો ત્યાં પણ નથી. આવી જ રીતે તંત્ર કરશે તો લોકોનું શું થશે. સિવિલમાં મારા મામાને લીધા જ નહીં. હવે મારા મામા છે ક્યાં તે અમારે કોને પૂછવું.

    કુંભણીયા ગામના કાનાભાઇએ જણાવ્યું હતું કે, મારા ગામની એક મહિલાને પેરેલિસિસ આવ્યો હોવાથી રાજકોટની સમરસ હોસ્ટેલમાં દાખલ કર્યા છે. પરંતુ સિક્યુરિટી કોન્ટ્રાક્ટર અને ડોક્ટરો જવાબ દેતા નથી. ઉપર દર્દીની ખબર પૂછવા પણ જવા દેતા નથી. દર્દીઓ પાણી માટે વલખા મારે છે. આજે હું સ્ટાફ સાથે ઝગડો કરીને ઉપર ગયો તો લોબીમાં મારી નજરે 15 લાશ પડેલી જોઇ હતી. લાશનો કોઇ નિકાલ કરવામાં આવતો નથી.

    સબ સલામતના દાવા કરતા તંત્રની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. લોકો ચારેબાજુ લાઈનમાં જ ઊભા છે. હોસ્પિટલ, ઇન્જેક્શન, સ્મશાન, 108માં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. દાખલ દર્દીના ખબર-અંતર પૂછવા અને વીડિયો કોલ કરવા લાઈનો જ જોવા મળી રહી છે. સમરસ હોસ્ટેલમાં અવ્યવસ્થા અને દર્દીઓ અંગે કોઈ જવાબદારી બજાવનાર તંત્રવાહકો ન હોવાથી દર્દીઓના સગાઓ હેરાન પરેશાન બની રહ્યાં છે. તંત્ર કોઈ જવાબ આપતું નથી તેવા પણ આક્ષેપો સગા દ્વારા કરવામાં આવી રહ્યાં છે.


Download Our B K News Today App



Related News