સરકારી ભરતી પ્રક્રિયા પર કોરોનાની અસર, GPSCએ એપ્રિલ-મે મહિનામાં યોજાનારી 10 પરીક્ષાની તારીખો પાછળ લંબાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 14:41:53
  • Views : 300
  • Modified Date : 2021-03-31 14:41:53

    ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસની મહામારી કહેર વર્તાવી રહી છે. આ ઘાતક મહામારીની અસર શાળા-કોલેજોની પરીક્ષાઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર પણ પડી રહી છે. વકરતાં કોરોનાની અસર ફરી એકવાર સરકારી ભરતીની પ્રક્રિયા પર પડી છે. પરિણામે એપ્રિલ અને મે માસમાં લેવાનારી પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈને જીપીએસસીએ નવી તારીખો જાહેર કરી છે. વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 માટે જીપીએસસી દ્વારા નવી તારીખે પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

    જીપીએસસી દ્વારા 4 એપ્રિલથી 23 મે દરમિયાન યોજાનારી જુદી જુદી 10 ભરતી પ્રક્રિયાની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પરીક્ષા હવે 18 એપ્રિલે યોજાશે. નાયબ મામલતદાર અથવા સેક્શન અધિકારીની પરીક્ષાની તારીખ 9 મેના રોજ યોજાશે. આ ઉપરાંત સિક્યુરીટી સુપરવાઈઝરની પરીક્ષા 23 મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષાઓ 6 જૂનના રોજ લેવાશે. કુલ મળી 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે. જેમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની પરીક્ષા યોજાઈ રહી છે.

    ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં સોમવારે સતત ચોથા દિવસે 2200થી વધુ 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 16 ડિસેમ્બર બાદ પહેલીવાર 8 લોકોના મોત થયા હતા. આમ સાડા ત્રણ મહિના બાદ 10 દર્દીના મોત થયા હતા. તેમાં સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું હતું. આ સાથે મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે. જ્યારે સુરતમાં 644 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા હતા. તેમજ 1988 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા હતા.

    ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. શ્વેતાબહેન લેખિકા પણ હતા. તેમણે દીકરીઓ માટે ખીલતી કળીને વ્હાલ પુસ્તક પણ લખ્યું હતું. આ ઉપરાંત સચિવાલયના સેક્શન અધિકારી કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુકને પણ કોરોના ભરખી ગયો છે.


Download Our B K News Today App



Related News