રાજકોટમાં 24 કલાકમાં 77 દર્દીના મોત, કુલ કેસની સંખ્યા 28146 પર પહોંચી, દર 2 મિનિટે 1 કેસ, 2 કલાકે 5 દર્દી દમ તોડે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 13:18:13
  • Views : 228
  • Modified Date : 2021-04-21 13:18:13

    રાજકોટમાં દિવસેને દિવસે કોરોનાની સ્થિતિ ભયંકર બનતી જાય છે. શહેરમાં દર બે મિનિટે એક કેસ નોંધાય રહ્યો છે. તેમજ દર બે કલાકે 5 દર્દીના મોત નીપજી રહ્યાં છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 28146 પર પહોંચી છે. હાલ અલગ અલગ હોસ્પિટલમાં 5029 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 531 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટના 24 કલાકમાં 77 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 66 દર્દીના મોત થયા હતા જે પૈકી 14 દર્દીના કોવિડથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટમાં જાહેર થયું હતું.

    રાજકોટમાં કોરોના વાયરસે ફરી માથું ઊંચક્યું છે અને નવો રેકોર્ડ સર્જ્યો છે. મંગળવારે શહેરમાં 764 અને ગ્રામ્ય વિસ્તારમાં 86 સહિત કુલ 850 નવા કેસ સામે આવ્યા હતા. મંગળવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 66 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. 850 નવા કેસ અને 66 મોત એટલે રાજકોટમાં દર બે મિનિટે એક કેસ જ્યારે દર બે કલાકે 5 દર્દીનાં મોત થયા હતા. હાલની સ્થિતિએ સક્રિય દર્દીઓની સંખ્યા 5617 છે, જ્યારે રાજકોટમાં બેડની કુલ સંખ્યા 3500 માંડ થાય છે. સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલમાં એક પણ બેડ માટે જગ્યા ખાલી રહી નથી. તેથી દર્દીઓની લાંબી કતારો સિવિલ હોસ્પિટલમાં લાગી છે.

    સિવિલમાં 800માંથી 150 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે સમરસ હોસ્પિટલમાં પુરા 756 બેડ ભરાય ગયા છે. હજુ 200 બેડ વધારવા માટે કામગીરી ચાલુ છે. જેથી કુલ ક્ષમતા 900 કરતા વધી જશે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે હોસ્પિટલ બની રહી છે તેમાં આવતીકાલથી દર્દીઓ દાખલ કરવાના શરૂ કરી દેવાશે. જેથી તબક્કાવાર 350 બેડ વધુ મળશે. હાલની સ્થિતિએ રાજકોટ શહેરમાં 28146 અને ગ્રામ્યમાં 9028 સહિત કુલ 37174 કેસ થઈ ચૂક્યા છે.

    શહેરમાં મહાનગરપાલિકાએ અલગ અલગ સ્થળોએ ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યા છે જ્યાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે. ત્યાં જે લોકો પોઝિટિવ આવે તેમણે આરોગ્ય કેન્દ્ર અથવા તો કોઇ હોસ્પિટલ જઈને વધુ તપાસ અને દવા લેવાની હોય છે. પણ, મનપાએ હવે દરેક ટેસ્ટિંગ બૂથ પર એક મેડિકલ ઓફિસરને ફરજ સોંપાઈ છે. બૂથ પર જે વ્યક્તિ પોઝિટીવ આવશે તેમની તપાસ ત્યાં જ કરી દેવાશે અને જરૂર પડ્યે હોસ્પિટલ જવા કહેવાશે નહીંતર સ્થળ પર જ દવા આપીને હોમ આઈસોલેશનની કાર્યવાહી કરાશે.


Download Our B K News Today App



Related News