CBSEની જેમ ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા કેન્સલ કરવા વાલીમંડળની માગ, સરકાર પરીક્ષા લેવા મક્કમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 15:56:12
  • Views : 257
  • Modified Date : 2021-04-24 15:56:12

    કોરોનાના કેસ વધી રહ્યા છે, જેની અસર શિક્ષણ વિભાગ પર પણ પડી રહી છે. ધોરણ 1થી 9 અને 11માં પરીક્ષા વિના જ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે હવે ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજવા સરકાર અને શિક્ષણ વિભાગ મક્કમ છે. અન્ય રાજ્યો તથા CBSE બોર્ડ દ્વારા 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, ત્યારે વાલીમંડળે પરીક્ષા રદ કરવા માગ કરી છે, જોકે ગુજરાત સરકાર ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષા લેવા મક્કમ છે. કોરોનાના કેસ વધતા જ રહેશે તો જૂન મહિનામાં પરીક્ષા લેવાય તેવી શક્યતા છે.

    કોરોનાની મહામારી શરૂ થયેને 1 વર્ષ કરતાં વધુ સમય થયો છે, ત્યારે અલગ અલગ ક્ષેત્રો પણ કોરોનાની અસર વર્તાઈ છે, ત્યારે શિક્ષણ વિભાગ પર પણ કોરોનાની અસર થઈ છે. એને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા છે તથા ઓનલાઇન પરીક્ષા લેવી પડી રહી છે, પરંતુ ગુજરાત સરકાર ધોરણ 10ના 12 લાખથી વધુ તથા ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના 4 લાખ કરતાં વધુ એમ કુલ 16 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા મક્કમ છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારી જણાવ્યા અનુસાર, ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન તો આપવામાં આવ્યું છે, પરંતુ ધોરણ 10 અને 12ની પરીક્ષા ફરજિયાત લેવામાં આવે તેવી રાજ્ય સરકારની ઈચ્છા છે. CBSEએ ધોરણ 10માં માસ પ્રમોશન આપ્યું છે, પરંતુ ગુજરાતમાં માસ પ્રમોશન અપાય તેવી શક્યતા નહીંવત્ છે. હાલ કેસ વધી રહ્યા છે, એને લઈને પરીક્ષા મે મહિનાની જગ્યાએ જૂન મહિનામાં લેવાય એવી શક્યતા છે, પરંતુ પરીક્ષા તો લેવાશે.

    પરીક્ષાના નિર્ણય સામે વાળીમંડળે પણ વિરોધ કર્યો છે. અન્ય રાજ્યો અને CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તો ગુજરાત રાજ્યમાં પણ ધોરણ 10ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે એવી માગણી કરાઈ છે. વાલીમંડળ દ્વારા અગાઉ પણ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે ત્યારે હજુ એક પત્ર અનેક મુદ્દાઓ સાથે લખીને પરીક્ષા રદ કરવા માગણી કરાઈ છે.

    ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાં કોરોનાનો વધતો કહેર, ચૌદ મહિનાથી ઓનલાઇન ભણતરનો બોજ, બાળક માટે કોરોનાના ઈલાજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાળકો અને માનસિક તણાવ, ધોરણ 11માં એડમિશન લેવાનો માપદંડ, અધ્યાપકમંડળ દ્વારા રજૂઆત, CBSE અને ગુજરાત બોર્ડની સરખામણી, બ્રેક વેકેશન આપવા બાબત, ધોરણ 12નું વધુ સારી રીતે આયોજન જેવા વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુદ્દાઓને આધારે સરકાર ધોરણ 10ની પરીક્ષા રદ કરે એવી માગણી કરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News