પાટડી તાલુકાની 36 સગર્ભા મહિલા કોરોના પોઝિટિવ, દેશનું 75 % મીઠું પકવતા ગુજરાતનાં 15000 અગરિયા પરિવારો સુધી કોરોના પહોંચી ના શક્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 16:23:55
  • Views : 404
  • Modified Date : 2021-03-21 16:23:55

    ગુજરાતમાં હાલ કોરોનાનું જોર વધ્યું છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે. પાટડી પથંકમાં અત્યાર સુધીમાં 36 સગર્ભા કોરોના પોઝિટિવ બની હતી. આ તમામ સગર્ભા મહિલાઓ સ્વસ્થ બની ઘેર પરત ફરી જેમાંથી 20 સગર્ભા મહિલાઓની સફળ ડિલેવરી કરાઇ હતી. જ્યારે બીજી બાજુ દેશનું 75 % મીઠું પકવતા ગુજરાતનાં 15000 અગરિયા પરિવારો સુધી કોરોના પહોંચી શક્યો નથી.

    પાટડી પથંકમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં અત્યાર સુધીમાં 10થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 90%થી વધુ દર્દીઓએ કોરોનાને હરાવી સ્વસ્થ બની ઘેર પરત ફર્યા હતા. હાલમાં શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય પથંકમાં કોરોનાનું જોર ઘટવા પામ્યું છે. છતાં આરોગ્ય વિભાગ દ્વારા મોંઢા પર ફરજીયાત માસ્ક, સેનેટાઇઝરનો નિયમીત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે દો ગજ કી દૂરીના ચૂસ્ત અમલ સાથે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

    પાટડી પથંકમાં અત્યાર સુધીમાં 36 સગર્ભા કોરોના પોઝીટીવ બની હતી. પરંતુ પાટડી બ્લોક હેલ્થ ઓફિસ અને આરોગ્ય વિભાગની ટીમની સતર્કતાના લીધે આ તમામ 36 કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓએ મજબૂત મનોબળ વડે કોરોનાને હરાવી સ્વસ્થ બની ઘેર પરત ફરી છે. આ 36 કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓમાંથી 20 સગર્ભાએ સ્વસ્થ બાળકને જન્મ આપી કુલ 40 જિંદગીઓને બચાવવાનું કામ કર્યું છે.બીજી બાજુ દેશનું 75 % મીઠું પકવતા ગુજરાતનાં 15000 અગરિયા પરિવારો સુધી કોરોના પહોંચી શક્યો નથી. રણમાં આગ ઓકતી ગરમીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને આકરી મહેનત સાથે મીઠું પકવતા અગરિયાઓની ઇમ્યુનિટી પાવર સારો હોવાનું ખુદ આરોગ્ય વિભાગનું માનવું છે. એકમાત્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો પાંચ આંકડા પાર કરી ગયો છે. ત્યારે ગુજરાતનાં સૌથી છેવાડાના માનવી તરીકે ઓળખાતા અગરિયા સમુદાય સુધી પહોંચવામાં કોરોનાને પણ હાંફ ચઢી ગયો છે. દેશના કુલ 3 કરોડ મે.ટન મીઠાના ઉત્પાદનમાંથી અંદાજે 75 % એટલે 2.25 કરોડ મે.ટન મીઠું ગુજરાતમાં પાકે છે. ગુજરાતમાં મીઠું પકવવાના વ્યવસાય સાથે અંદાજે 15000 અગરિયા પરિવારો જોડાયેલા છે. ગુજરાતમાં પાકતા 2.25 કરોડ મે.ટન મીઠામાંથી 25 લાખ મે.ટન મીઠું સુરેન્દ્રનગર જીલ્લામાં પાકે છે.

    દર વર્ષે ઓકટોબરથી મે માસ દરમિયાન રણમાં 48 ડીગ્રી તાપમાનમાં કંતાનના ઝુપડામાં ઉપર આભને નીચે ધરતી તળે મીઠું પકવતા અગરિયાઓ સુધી પહોંચવામાં ખુદ કોરોના વાયરસ પણ હાંફી ગયો છે. હજી સુધી રણમાં મીઠું પકવતા એક પણ અગરિયાને કોરોના પોઝિટિવ આવ્યાના વાવડ નથી. હાલમાં મોટા ભાગના અગરિયા પરિવારો મીઠું પકવવા રણમાં પહોંચી ગયા છે.


Download Our B K News Today App



Related News