કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં નવી મુસીબત, પોસ્ટ કોવિડ પછી ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ વકર્યો, 10 વ્યક્તિના હાથ-પગ લકવાગ્રસ્ત થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 11:49:34
  • Views : 458
  • Modified Date : 2020-12-23 11:52:10

    રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 80 ટકા જેટલાં બેડ ખાલી પડ્યાં છે, ત્યારે રાજ્યમાં કોરોનાની બીમારીને હરાવીને સાજા થયેલા દર્દીઓ માટે નવી મુસીબત ઊભી થઈ છે. કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માયકોસીસ બાદ હવે ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે દેખા દીધી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ સામે આવ્યા છે, અમદાવાદ ઉપરાંત અન્ય જગ્યાએ પણ આ કેસ જોવા મળ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ જૂનો રોગ છે, પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં વકર્યો છે, આ રોગમાં હાથ-પગે લકવો મારી જાય છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.પી. મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે 10 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે, દર હજારે એકને આ રોગ થતો હોય છે, પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં આ રોગ જોવા મળી રહ્યો છે.


    વાઇરલ ઈન્ફેક્શન થાય તો એના 20 દિવસ પછી પણ આ રોગ થતો હોય છે. આ નવો નહિ, પણ જૂનો રોગ છે. સિવિલ હોસ્પિટલના એક તબીબે જણાવ્યું હતું કે પોસ્ટ કોવિડ પછી અત્યારે ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ વકર્યો છે, કોરોના મટયા બાદ હાથ-પગમાં લકવો થાય છે, પગમાં નબળાઈ આવે છે, બાળકોમાં આ રોગ વિશેષ થતો હોય છે. આ જૂનો રોગ છે. આ રોગને કારણે આખા શરીરમાં ચેતાઓને અસર થતી હોય છે, જેને કારણે લકવો થતો હોય છે અને મગજ સુધી અસર થાય છે. કોવિડમાં ઈમ્યુનિટી ઘટે છે, ટોસિલિઝુમેબ અને રેમડેસિવીર ઈન્જેક્શનને કારણે ઈમ્યુનિટી ઘટે છે, આ કારણે જ કોવિડથી સાજા થયેલા દર્દીઓમાં આવા વધુ કેસ જોવા મળે છે. તબીબોના મતે બેથી છ અઠવાડિયાંમાં આ રોગ વધી જતો હોય છે.

    કોરોનાથી સાજા થયેલા દર્દીઓને મ્યુકર માયકોસિસની બીમારી થઈ રહી છે, બે મહિનામાં જ અમદાવાદ સિવિલમાં 44 કેસ નોંધાયા હતા, જેમાંથી 9નાં મોત થયાં હતા. જોકે હવે આ કેસ વધીને 51 થયા છે અને વધુ એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં 19 દર્દીને આંખે દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ડો.ઈલાબહેન ઉપાધ્યાયે સિવિલમાં આ પ્રકારના કેસો આવ્યાની વાત સ્વીકારી હતી.


Download Our B K News Today App



Related News