રસી લીધા બાદ પાલિકાના 3 ઇજનેરોને કોરોના, બંને ડોઝ લીધાના 5 જ દિવસમાં 2ને ચેપ લાગ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:53:37
  • Views : 239
  • Modified Date : 2021-03-09 10:53:37

    પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો છે. જેમાંથી બે ઇજનેરોએ રસીના બે ડોઝ લીધા પછીના પાંચ દિવસમાં જ કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે એક ઇજનેરે પહેલો ડોઝ લીધો હતો. જેને પગલે આગામી એક સપ્તાહ સુધી શહેરી વિકાસ વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો છે. સિવિલના કોરોનાના નોડલ ઓફિસર ડો. અમિત ગામીએ કહ્યું કે રસી લીધાના ત્રણથી છ સપ્તાહ દરમિયાન એન્ટીબોડી બને છે. જેથી ડોઝ લીધા પછી કોરોના ન થઇ શકે તેવું જરૂરી નથી. સોમવારે સુરત શહેર જિલ્લામાં નવા 100 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 94 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.

    ઇજનેરે કહ્યું કે, કોવિશિલ્ડનો પહેલો ડોઝ 28 જાન્યુ.એ લીધો હતો. બીજો ડોઝ 3 માર્ચે લીધો. 4 દિવસ પછી ખાંસી અને ગળામાં ઇન્ફેક્શન લાગતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઇલેક્શન ડ્યુટીમાં ચેપ લાગ્યો હોવાની શંકા છે.મધ્યસ્થ શહેર વિકાસ વિભાગના બીજા એક ઇજનેરને પણ સંક્રમિત હોવાનો રિપોર્ટ મળ્યો હતો. ગઇ તા. 8મી ફેબ્રુઆરીના રોજ જ કો-વેક્સિનની રસી લીધી હતી. તેમણે કહ્યું કે, રવિવારે રિપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો હતો.અન્ય એક ઇજનેરે 1 ફેબ્રુઆરીએ કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો હતો. જ્યારે 2 માર્ચે બીજો ડોઝ લીધો હતો. પાંચમાં દિવસે સુકી ખાંસી થતાં રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ઇલેક્શન ડ્યુટીમાં ચેપ લાગ્યો હોઇ શકે.

    સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે પાલિકા પણ હરકતમાં આવ્યું છે. ખાસ કરીને અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવી દીધા છે. આ વિસ્તારોમાં લોકોને નહીં જવા માટે પણ ચેતવણી આપવામાં આવી રહી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આગામી દિવસમાં કેસમાં ઘટાડો નહીં થાય તો હોટલ તથા રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવે તેવી શક્યતા પણ પાલિકા સૂત્રોએ વ્યક્ત કરી છે. માસ્ક મુદ્દે આકરો દંડ વસૂલવા પણ તૈયારી કરી છે.

    સુરત : 12મી માર્ચે પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમમાં મેયર. ડે.મેયર સહિતના પાંચ પદાધિકારીઓની નિમણૂંક માટે પહેલી સામાન્ય સભા યોજાશે. જેમાં તમામે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જોકે પાલિકાએ આ ટેસ્ટ મરજિયાત કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ સામાન્ય સભામાં દરેક પદાધિકારીઓના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પછીની આ પહેલી સામાન્ય સભા યોજાશે.


Download Our B K News Today App



Related News