રાજકોટ સિવિલમાં લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો, 9 હજાર આપો તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ, ઉપર સુધી સેટિંગ હોવાનો યુવકને દાવો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 18:02:51
  • Views : 258
  • Modified Date : 2021-04-21 18:02:51

    રાજકોટમાં કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે. શહેરની એક હોસ્પિટલમાં ખાલી બેડ નથી. ત્યારે દર્દી દાખલ કરવા માટે સગાઓ વલખા મારે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો ચાલુ થયો હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં યુવાન બોલે છે કે 9 હજાર આપો અને તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ થઇ જાશે. 9 હજારથી એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં. યુવાન વીડિયોમાં મારે ઉપર સુધી સેટિંગ હોવાથી રૂપિયા દેવાના હોય છે. વીડિયોમાં યુવાન 9 હજાર રૂપિયા લેતો હોવાના દ્રશ્યો પણ કેદ થયા છે. ઉલ્લખનીય છે કે, સિવિલમાં લોકો એમ્બ્યુલન્સ સાથે 5થી 6 કલાક દાખલ થવા વેઇટિંગમાં ઉભા રહે છે. ત્યારે આ યુવાન 9 હજારમાં અડધી કલાકમાં દર્દીને દાખલ કરી આપે છે.

    દર્દીના સગા કહે છે કે, 9 હજાર નહીં પણ અમારી ઇચ્છા છે કે 5 હજારમાં કરી દે. પરંતુ યુવાન કહે છે કે મારે પણ ઉપર સુધી રૂપિયા પહોચાડવાના હોય છે. દર્દીના સગા કહે છે કે, જુનાગઢથી પણ એક દર્દીને અહીં દાખલ કરવાના છે. આથી બે દર્દીને દાખલ કરવામાં કેટલા લઇશ. યુવાન કહે છે કે 8 હજાર આપજો. યુવાનને ફોન આવે છે અને સામેવાળા વ્યક્તિને કહે છે કે, ભાઇ તમે 9 હજાર આપો એટલે અડધી કલાકમાં દર્દીને દાખલ કરી દઉં. 9 હજારથી એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં.

    રાજકોટ શહેરમાં દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે નાણાકીય વ્યવહાર કરી અને રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં બેડની સુવિધા કરી આપવા બાબતનો જે વીડિયો વાઇરલ થયો છે તે અંગે ખાનગી રાહે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આ વીડિયોમાં જે વ્યક્તિ નાણાની માગણી કરે છે. હિતેશ મહીડા તથા તેનો મિત્ર જગદીશ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે. જેઓ બંને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે. આ બંને પાસે બ્લુ કલરનું એક્સેસ જામનગર પાર્સિંગ નું છે. આ બાબતની તપાસ રાજકોટ શહેરના ACP દિયોરાને સોંપવામાં આવી છે.

    હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇન જોઇ ઘણા દર્દીઓ દાખલ થવા માગતા નથી. કારણ કે એમ્બ્યુલન્સમાં જ દર્દીની સારવાર કરવી પડી રહી છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમા અમુક લોકો એવા છે જેમને નવ હજાર રુપિયા આપવામાં આવે તો ન એમ્બ્યુલન્સમાં ટ્રીટમેન્ટ, ન લાઈનમા દર્દીને રહેવાની ઝંઝટ. તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમારી સારવાર શરુ થઈ જાય છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર બેદરકારીના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કૌભાંડ તો નથીને તેવા સવાલો લોકોમાં ઉઠ્યા છે.

    કોરોનાની મહામારીમાં લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તડપી રહ્યાં છે. ત્યારે બસ એક ફોન નવ હજાર રુપિયા આપો એટલે બેડ ખાલી થઈ જાય છે, લોકોની મજબૂરીનો ફાયદો કેવી રીતે ઉઠાવી રહ્યાં છે આ શખ્સો, નવ હજાર દેતા જ કેમ તુરંત બેડ અને સારવાર મળી જાય છે, કોને કોને પહોંચે છે રુપિયા, જો રુપિયા દેતા બેડ મળી જતો હોય તો એનો મતલબ એવો થયો કે હોસ્પિટલમાં બેડ ખાલી હોય છે. છતાં દર્દીઓને દાખલ નથી કરવામાં આવી રહ્યા? આવા અનેક સવાલો લોકોમાં ઉઠ્યા છે.

    રાજકોટમાં કોરોના વાયરસે ફરી માથું ઊંચક્યું છે અને નવો રેકોર્ડ સર્જ્યો છે. મંગળવારે શહેરમાં 764 અને ગ્રામ્ય વિસ્તારમાં 86 સહિત કુલ 850 નવા કેસ સામે આવ્યા હતા. મંગળવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 66 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. 850 નવા કેસ અને 66 મોત એટલે રાજકોટમાં દર બે મિનિટે એક કેસ જ્યારે દર બે કલાકે 5 દર્દીનાં મોત થયા છે. હાલની સ્થિતિએ સક્રિય દર્દીઓની સંખ્યા 5617 છે, જ્યારે રાજકોટમાં બેડની કુલ સંખ્યા 3500 માંડ થાય છે. સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલમાં એક પણ બેડ માટે જગ્યા ખાલી રહી નથી તેથી દર્દીઓની લાંબી કતારો સિવિલ હોસ્પિટલમાં લાગી છે.


Download Our B K News Today App



Related News