રાજેસ્થાન : મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સંક્રમિત થયા, એક દિવસ પહેલાં જ તેમનાં પત્ની પોઝિટિવ આવ્યાં હતાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-29 12:32:07
  • Views : 283
  • Modified Date : 2021-04-29 12:32:07

    રાજસ્થાનમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સંક્રમિત થયા છે. ગેહલોતે ગુરુવારે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે લખ્યું છે કે કોવિડ ટેસ્ટ કરાવ્યા પછી આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ લક્ષણ દેખાઈ રહ્યાં નથી. કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં હું આઈસોલેશનમાં રહીને જ કાર્ય ચાલુ રાખીશ. તેના એક દિવસ પહેલાં બુધવારે મુખ્યમંત્રીનાં પત્ની સુનીતા ગેહલોતનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

    રાજ્યમાં હવે સૌથી મોટી ચિંતા કોરોનાના કારણે વધી રહેલાં મોતની છે. છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં મૃત્યુનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. છેલ્લાં બે સપ્તાહનો રિપોર્ટ જોવામાં આવે તો સંક્રમણથી થતાં મૃત્યુના કેસ 3 ગણા વધી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રશાસનના રિપોર્ટમાં તે જ દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થઈ રહ્યું છે, જેમનો RT-PCR પોઝિટિવ હતો.

    પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર અને ઝાલાવાડ-બારાંના સાંસદ દુષ્યંત સિંહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જયપુરના ધારાસભ્ય અશોક લાહોટી અને તેમનો સમગ્ર પરિવાર પણ કોરોનાથી સંક્રમિત છે. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 16613 નવા કેસ મળ્યા છે, જ્યારે 120 લોકોનાં મૃત્યુ થયાં છે. રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ધીરે-ધીરે રિકવરી રેટનો ગ્રાફ પણ વધવા લાગ્યો છે. 24 કલાકમાં 8303 લોકો સાજા થયા છે.રાજ્યમાં રાજપૂત સમાજ સાથે જોડાયેલા નેતા ગિરિરાજ સિંહ લોટવાડાનું જયપુરની RUHS હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. લોટવાડા લાંબા સમય સુધી રાજપૂત સભા ભવનના અધ્યક્ષ રહ્યા હતા. કોરોનાથી સંક્રમિત થયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જોકે શ્વાસની તકલીફને કારણે તેમની સ્થિતિ બગડતી ગઈ.


Download Our B K News Today App



Related News