AMCમાં વિવિધ કમિટીનાં નામોની પસંદગીમાં વિવાદ, પ્રભારી અને શહેર પ્રમુખની વિરુદ્ધમાં રજૂઆત, ધર્મેન્દ્ર શાહને ખાસ જવાબદારી સોંપાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 11:48:04
  • Views : 252
  • Modified Date : 2021-03-22 11:48:04

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જંગી બહુમતી સાથે સત્તા હાંસલ કર્યા બાદ પણ ભાજપમાં આંતરિક વિવાદ વકરી રહ્યો છે, AMCની વિવિધ કમિટીનાં નામો નક્કી કરવામાં પ્રભારી અને શહેર પ્રમુખની જોહુકમી ચાલતી હોવાના આક્ષેપ સાથે પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત અને ફરિયાદો પહોંચી જતાં તાત્કાલિક અસરથી AMCમાં ભાજપને એક રાખવા ધર્મેન્દ્ર શાહને જવાબદારી સોંપી મામલો થાળે પડવાની કોશિશ થઈ રહી છે.

    AMCમાં ભાજપને સત્તા તો મળી, પણ હોદ્દાઓની વહેંચણી મામલે ખેંચતાણ શરૂ થઈ હતી, જેમાં ભાજપના વરિષ્ટ આગેવાનો અને અનુભવીઓની સેન્સ લીધા વિના બારોબર ચોક્કસ નેતાઓ જ વિવિધ કમિટીની યાદી તૈયાર કરી દેતાં આંતરિક વિવાદ સર્જાયો હતો. પરિણામે, આ મામલો સીધો માત્ર પ્રદેશ નેતાઓ સુધી નહીં, દિલ્હીમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો હતો.

    શહેર ભાજપના એક સિનિયર આગેવાન સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીથી જ આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો હતો, કેમ કે ભાજપના પાર્લમેન્ટરી બોર્ડમાં નક્કી થયેલા ઉમેદવારોમાંથી 15 જેટલાં નામો રાતોરાત બદલાઈ ગયાં હતાં, જેની રજૂઆત પક્ષ-પ્રમુખ પાટીલ સહિત પાર્લમેન્ટરી બોર્ડના સભ્યો સુધી કરવામાં આવતાં તેઓ પણ ચોંકી ગયા હતા અને ટિકિટ ફાળવણીમાં શહેરમાંથી ગોલમાલ થઈ હોવાની શંકાના આધારે કેટલાક જવાબદાર આગેવાનોના ખુલાસા પણ માગવામાં આવ્યા છે

    આ ઉપરાંત મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દાનાં નામો નક્કી કરવામાં પણ ચોક્કસ આગેવાનોની મનમાની ચાલી હોવાથી અમદાવાદ ભાજપમાં વર્ષોથી કામ કરતા અને મહાપાલિકામાં હોદ્દાઓ સંભાળી ચૂકેલા આગેવાનોમાં નારાજગીનો સૂર શરૂ થઈ ગયો છે, તેમાં પણ મહાપાલિકાના કર્તાહર્તા અને માર્ગદર્શક એવા સુરેન્દ્ર પટેલના નામે મીડિયા અને સોશિયલ મીડિયા અને પક્ષમાં એક વિવાદ ચલાવવામાં આવતો હોવાની શંકાના આધારે પણ શહેર ભાજપનું એક સિનિયરનું એક જૂથ અકળાઈ ગયું છે અને ભાજપના વડીલ આગેવાન સુરેન્દ્ર કાકા સામે ચાલી રહેલી રમતોના મામલે માથું ઊંચકવા તૈયારી કરી રહ્યા છે, જેથી આગામી દિવસોમાં અમદાવાદ મહાપાલિકામાં અને શહેર ભાજપ સામે નવો મોરચો ઊભો થઇ શકે છે.

    સુરેન્દ્ર કાકાના નજીકના ગણાતા કાઉન્સિલરોને સ્થાન મળ્યું નથી. એકમાત્ર ગીતાબેન પટેલ, જેમને ડેપ્યુટી મેયરનું પદ મળ્યું છે. ઘાટલોડિયાના જતીન પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવાની છેક છેલ્લી ઘડી સુધી ચર્ચા થઈ હતી, પરંતુ આખરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા અને તેમના જ મત વિસ્તારમાંથી પહેલી જ ટર્મના જીતીને આવેલા હિતેષ બારોટને હાઇકમાન્ડ તરફથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પક્ષના નેતા તરીકે પણ શહેર ભાજપ-પ્રમુખ જગદીશ પંચાલના નજીકના ગણાતા ભાસ્કર ભટ્ટને સ્થાન આપવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યોમાં પણ અનેકનાં નામો કાપી નજીકના લોકોની નિમણૂક કરાઈ છે.


Download Our B K News Today App



Related News