લિંબાયત ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ફરી વિવાદ: અધિકારીઓ–મિલકત માલિક વચ્ચે ઘર્ષણ, પોલીસ મથકે દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-11 17:54:45
  • Views : 67
  • Modified Date : 2025-12-11 17:54:45

બી.કે. ન્યુઝ/સુરત 

સુરતના લિંબાયત ઝોનમાં ગેરકાયદેસર બાંધકામને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. વિસ્તારના ધારાસભ્યે ગેરકાયદેસર બાંધકામ અંગે સુરત મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ ઝોનના અધિકારીઓએ લિંબાયત વિસ્તારમાં આવેલા એક છ માળના ગેરકાયદેસર બાંધકામને તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.કાર્યવાહી દરમિયાન મિલકત માલિક અને ઝોન સ્ટાફ વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. તણાવ એટલો વધ્યો કે આખરે મામલો લિંબાયત પોલીસ મથકે પહોંચી ગયો. સવારથી સાંજ સુધી ઝોનના અધિકારીઓને પોલીસ મથકે હાજર રહેવું પડ્યું હોવાનું જાણી શકાય છે.સ્થાનિકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બાંધકામ સંબંધિત કેટલાક આર્થિક લેવડદેવડ થયા હોવાના આક્ષેપો ઉઠ્યા બાદ પણ બાંધકામ તોડવામાં આવતા મિલકત માલિક રોષે ભરાયો હતો. જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હાલ મળી નથી.

લિંબાયત વિસ્તરમાં આસાન ધારા હેઠળ બાંધકામની મંજૂરી પ્રક્રિયા સરળ હોવા છતાં ૪૦૦થી વધુ ગેરકાયદેસર ફ્લેટો ઊભા થઈ ચૂક્યા હોવાની પણ લોકચર્ચાઓ છે. આસાન ધારા જે હિતગ્રાહકોના કલ્યાણ માટે બનાવવામાં આવી હતી, તે બિલ્ડર લોબી અને નિશ્રિત તંત્રના તત્વો માટે વરદાનરૂપ બની ગઈ હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો ફાટી નીકળ્યા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. સાથે જ ભાજપના કોઈ કોર્પોરેટર, નેતા અથવા ધારાસભ્ય દ્વારા આ ગેરકાયદેસર બાંધકામો અટકાવવા ખાસ રસ ન દાખવવામાં આવી રહ્યો હોવા અંગે પણ ચર્ચાઓ ગરમાઈ રહી છે. પરિણામે લિંબાયત વિસ્તારમાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને હિંદુ વસાહતો, સતત બાંધકામના દબાણ વચ્ચે મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનો આક્ષેપ વ્યાપક બન્યો છે.

લિંબાયત ઝોનમાં વિવાદ: પોલીસ પ્રોટેક્શન વગર ડિમોલિશન, બિલ્ડરના આક્ષેપો બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

લિંબાયત ઝોનમાં કરવામાં આવેલા ડિમોલિશન અભિયાનને લઈને નવો વિવાદ ઊભો થયો છે. ઝોનના કાર્યપાલક અધિકારીએ પોલીસ પ્રોટેક્શન વિના કરવામાં આવેલા કાર્યવાહી બાદ બિલ્ડર સીધા લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

બિલ્ડર તરફથી જણાવવામાં આવ્યું છે કે,

“મેં ઝોનના એક જવાબદાર વ્યક્તિને રકમ આપી હતી, છતાં મારી મિલકત પર ડિમોલિશન કેમ થયું?”આ મુદ્દે બિલ્ડરે આક્ષેપો કરી અધિકારીઓની ભૂમિકા પર સવાલો ઊભા કર્યા છે. આ દાવો બાદ વિસ્તારમાં લોકચર્ચા તેજ બની છે.બીજી તરફ, પોલીસ તંત્રએ પણ કાર્યવાહી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસે એસએમસી અધિકારીઓને પૂછ્યું કે પોલીસ પ્રોટેક્શન લીધા વગર ડિમોલિશન કરવા પાછળનું કારણ શું હતું, કારણ કે આવી કામગીરી સામાન્ય રીતે પોલીસ બંદોબસ્ત સાથે કરવાની પ્રક્રિયા હોય છે.આ આખો મુદ્દો હાલમાં લિંબાયત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે અને બંને પક્ષોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને સમગ્ર કાર્યવાહી અંગે પારદર્શિતા માગવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News